જૂનાગઢ જિલ્લાના રહીશ અને ધોરણ 12 ની પરીક્ષા દઈને ગઈકાલે દ્વારકા દર્શને આવેલ વિદ્યાર્થીનું ગોમતી નદી સામેના સમુદ્રમાં ડૂબી જવાના કારણે લાપતા બન્યા બાદ આજરોજ વહેલી સવારે તેનો મૃતદેહ મળી આવ્યો છે.
આ કરુણ બનાવની જાણવા મળતી વિગત મુજબ ગઈકાલે સોમવારે જુનાગઢ જિલ્લાના તાલાલા ખાતે રહેતો જય ભવસિંગભાઈ પરમાર નામનો યુવાન દ્વારકાના પંચ કુઈ નજીક ગોમતી ઘાટ સામે દરિયામાં ન્હાવા પડ્યા બાદ પાણીમાં લાપતા બની ગયો હતો. આ યુવાનનો મૃતદેહ આજે સવારે આશરે 22 કલાકની જહેમત બાદ મળી આવ્યો હતો.
ગઈકાલે સોમવારે સવારે ગોમતી નદીના રામઘાટ સામે જુનાગઢ જિલ્લાનાં તલાલાના અનીડા ગામનો જય પરમાર નામનો યુવાન ધોરણ 12 ની પરીક્ષા આપીને તેના દસ જેટલા મિત્રો સાથે દ્વારકા આવ્યો હતો. ત્યારે મિત્રો સાથે દરિયાના પાણીમાં નહાવા પડ્યા બાદ અન્ય મિત્રો બહાર નીકળી ગયા હતા. પરંતુ જય પરમાર દરિયામાં ગરકાવ થયો હતો. આથી દ્વારકા નગરપાલિકાની ફાયર ટીમના સ્ટાફ દ્વારા તેને શોધવા અવિરત રીતે જહેમત ઉઠાવવામાં આવી હતી. પરંતુ ગઈકાલે તેનો પતો લાગ્યો ન હતો. ત્યારે આજે વહેલી સવારે આ મૃતદેહને પાલિકાની ફાયર ટીમે બહાર કાઢ્યો હતો. ત્યાર બાદ આ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ લઈ જવાયો હતો.
આ કરૂણ બનાવથી મૃતકના પરિવારજનોમાં ઘેરો આક્રંદ છવાયો હતો. ત્યારે જય પરમાર તેમના પિતાનો એકનો એક દીકરો હોવાનું તથા તેના પિતા ખેત વ્યવસાય સાથે સંકળાયેલા હોવાનું પણ જાણવા મળ્યું છે. આ બનાવે દ્વારકા પંથકમાં ભારે અરેરાટી પ્રસરાવી છે.