કલ્યાણપુર તાલુકામાં રહેતા એક આહીર પરિવારના પિતા-પુત્રી ગઈકાલે મંગળવારે મોટરસાયકલ પર જઈ રહ્યા હતા ત્યારે પુરપાટ આવી રહેલી આઈ-ટ્વેન્ટી મોટરકારના ચાલકે આ મોટરસાયકલ સાથે ધડાકાભેર અકસ્માત સર્જતા આ મોટરસાયકલ પર જઈ રહેલા પિતા-પુત્રીના કરુણ મૃત્યુ નિપજ્યા હતા.
આ સમગ્ર પ્રકરણની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ કલ્યાણપુર તાલુકામાં રહેતા ઘેલુભાઈ જેઠાભાઈ કરંગીયા નામના એક આહીર યુવાન તેમની પુત્રી રાધિકાબેન સાથે તેમના મોટરસાયકલ નંબર જીજે-37-ડી-2854 પર બેસીને લાંબા ગામેથી પટેલકા ગામે જઈ રહ્યા હતા, ત્યારે પોરબંદર-દ્વારકા હાઈવે રોડ પર સતાપર ગામના પાટિયા પાસે રોડ ક્રોસ કરતી વખતે ભોગાત ગામ તરફથી પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલી જી.જે. 37 બી. 9590 નંબરની આઈ-20 મોટરકારના ચાલકે ઘેલુભાઈના મોટરસાયકલ સાથે ધડાકાભેર અકસ્માત સર્જ્યો હતો.
આ જીવલેણ ટક્કરમાં ફંગોળાઈ ગયેલા ઘેલુભાઈ તથા તેમના પુત્રી રાધિકાબેનને શરીરના જુદા જુદા ભાગોમાં ગંભીર ઇજાઓ થતા બંનેના કરુણ મૃત્યુ નીપજ્યા હતા. આ સમગ્ર બનાવવા અંગે મૃતકના ભાઈ સવદાસભાઈ જેઠાભાઈ કરંગીયા (રહે. નવાગામ, રણજીતપર – તા. કલ્યાણપુર) ની ફરિયાદ પરથી કલ્યાણપુર પોલીસ આઈ-ટ્વેન્ટી મોટરકારના ચાલક સામે આઈ.પી.સી. કલમ 279, 304 (એ) તથા એમ.વી. એક્ટ મુજબ ગુનો નોંધી, આગળની કાર્યવાહી રાવલ આઉટ પોસ્ટના પી.એસ.આઈ. વી.આર. શુક્લ દ્વારા હાથ ધરવામાં આવી છે. અકસ્માતના આ બનાવે મૃતકના પરિવારજનોમાં ઘેરા શોકની લાગણી પ્રસરાવી છે.