જામનગર શહેરના હવાઈ ચોક વિસ્તારમાં ગત રાત્રિના સમયે ચા પીતા યુવાનોને તમારે હવાઇ ચોકમાં આવવાનું નહીં તેમ કહી શખ્સે લોખંડના પાઈપ વડે હુમલો કર્યાની ઘટના બાદ આજે આ વિસ્તારના વેપારીઓએ દુકાનો બંધ રાખી હતી.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરના હવાઈ ચોકમાં આવેલ ચા ની હોટલે ગત રાત્રિના સમયે શબીર ઉર્ફે માઈકલ ઉમર ખફી અને ઈમરાન નામના બે યુવાનો ચા પીતા હતાં તે દરમિયાન મીલન ભાનુશાળી અને રાવણ નામના બે શખ્સોએ યુવાનો પાસે આવી ‘તમારે અહીં હવાઈ ચોકમાં આવવું નહીં’ તેમ કહી બોલાચાલી કરી લોખંડના પાઈપ અને લાકડાના ધોકા વડે હુમલો કર્યો હતો. બે શખ્સો દ્વારા કરાયેલા હુમલામાં બન્ને યુવાનોને ઈજા પહોંચી હતી. રાત્રિના સમયે થયેલી બઘડાટી બાદ પોલીસ કાફલો ઘટનાસ્થળે આવી પહોંચ્યો હતો અને ત્યારે દુકાનો બંધ કરાવી હતી. આ બનાવમાં પોલીસે શબીરની ફરિયાદના આધારે મિલન વિરૂધ્ધ હુમલાનો ગુનો નોંધી એએસઆઈ વી.કે. સાખરા તથા સ્ટાફે તપાસ આરંભી હતી. ત્યારબાદ આ ઘટના સંદર્ભે આજેસવારે વેપારી ઉપર થયેલા હુમલાના કારણે હવાઈ ચોક વિસ્તારના વેપારીઅમાં ઉગ્ર રોષ ફેલાઈ ગયો હતો અને વેપારીઓએ આજે દુકાનો બંધ રાખી હતી.