ખંભાળિયા તાલુકાના ઝાકસીયા ગામે રહેતા ભાનુશંકર લાલજીભાઈ જોશી નામના 40 વર્ષના યુવાન તેમના ટ્રેક્ટરમાં ચણાની ઉપજ લઈને માર્કેટિંગ યાર્ડમાં ચણા વેચવા માટે જઈ રહ્યા હતા ત્યારે ખંભાળિયા – દ્વારકા ધોરીમાર્ગ પર અત્રેથી આશરે 17 કિલોમીટર દૂર વડત્રા ગામના પાટીયા પાસેથી પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલા જી.જે. 10 ટી.એક્સ. 3899 નંબરના ટ્રકના ચાલકે ભાનુશંકરભાઈના ટ્રેક્ટર સાથે ધડાકાભેર અકસ્માત સર્જ્યો હતો.
આ અકસ્માતમાં ટ્રેક્ટર રોડની એક બાજુ નાલીમાં ખાબક્યું હતું. જેના કારણે ભાનુશંકરભાઈને શરીરના જુદા જુદા ભાગોમાં ઇજાઓ સાથે સ્થાનિક હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. આ ઉપરાંત ટ્રેક્ટરમાં રહેલો ચણાનો પાક રોડ ઉપર ઢોળાઈ ગયો હતો.
આ સમગ્ર બનાવ અંગે ખંભાળિયા પોલીસે ટ્રકના ચાલક સામે આઈ.પી.સી. કલમ 270, 337 તથા એમ.વી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.