એશીયાનું ગૈારવ અને જૂનાગઢની શાન એશીયેટીક લાયનની આગવી પ્રતિભા અંકીત કરવા દર વર્ષે 10 ઓગસ્ટના રોજ વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવે છે. વિશ્વભરમાંથી એક માત્ર સાસણ , જૂનાગઢ ખાતે જોવા મળતા એશિયેટીક લાયન અને આફ્રિકાના જંગલોમાં રહેતા આફ્રિકન સિંહોની મહત્વતા દર્શાવતા ‘વર્લ્ડ લાયન ડે’ ની ઉજવણી કરવામાં આવે છે. હાલ સિંહો સાસણ ગીર ઉપરાંત ગીર સોમનાથ,પોરબંદર, અમરેલી, ભાવનગરમાં જોવા મળે છે.
આફ્રિકાન લાયન એન્ડ એન્વાયર્નમેન્ટલ રિસર્સ ટ્રસ્ટ નામના સંગઠને આ ઉજવણી નક્કી કરી છે. ગુજરાતના અમરેલી જીલ્લાના રાજુલા તાલુકામાં તો સિંહનું સ્મારક આવેલું છે. અને ત્યાં દેવી દેવતાઓના ફોટા પણ રાખવામાં આવ્યા છે. અને વન્યપ્રેમીઓ અહીં પૂજા કરી માનતાઓ માનવા પણ આવે છે. આ પાછળનું કારણ શુ છે આવો જાણીએ…
થોડા વર્ષો પહેલા રાજુલા તાલુકાના ભેરાઈ ગામ નજીક ટ્રેન નીચે સિંહો કપાઈ મરવાનો આઘાતજનક બનાવ બન્યો હતો. રેલવે લાઈન ક્રોસ કરતી વખતે બે સિંહણો માટે માલગાડી ફરી વળી હતી. એ બે સિંહણ પૈકી એક ગર્ભવતી હતી, જેના ગર્ભમાં રહેલાં ૩ સિંહબાળ પણ જન્મતાં પહેલા જ મોતને ભેટયા હતાં. એ દુર્ઘટના પછી નેચર ફાઉન્ડેશન ખાંભાના ભીખુભાઈ બાંટા તથા રાજુલાના અમરીશભાઈ ડેરે મળીને અહીં સ્મારક બનાવ્યુ છે. જ્યાં સિંહોના અકસ્માતે મોત થયા હતાં ત્યાં જ સ્મારક જેવી ઓરડી તૈયાર કરી છે. ઓરડીમાં સિંહોના કમોતની વિગતો આપતી તકતી લગાવવામાં આવી છે. આ સાથે અહીં અન્ય દેવી-દેવતાઓના ફોટા પણ છે. આ સ્મારક બનાવવામાં આવ્યું ત્યારેથી જ ત્યાં કેટલાક પ્રકૃત્તિ પ્રેમીઓ તથા સિંહ ચાહકોએ પૂજા કરી નાળિયેર વધેરવા સહિતની માનતાઓ પણ શરૂ કરી દીધી છે.