વસંત પંચમી એટલે વણજોયા મુહૂર્તનો દિવસ, આજે મહાસુદ પાંચમ છે ત્યારે વસંત પંચમીનું પર્વ આસ્થાપૂર્વક ઉજવાશે. ગુજરાતભરમાં આજે 10 હજારથી વધુ લગ્નો યોજાશે. રાહતની વાત એ છે કે, નવી ગાઇડલાઇનમાં ખુલ્લા સ્થળે યોજાતા લગ્ન પ્રસંગમાં 300 લોકોને એકત્રિત થવાની મંજૂરી અપાઇ છે. આમ, આજથી લગ્નસરાની મોસમ પણ ખીલી ઉઠશે.
આપણે જેમ ઉત્સવ ઉજવીએ છીએ તેમ પ્રકૃતિ પણ તેનો ઉત્સવ ઉજવે છે અને તે ઉત્સવના વધામણાં આપતો મહા સુદ પાંચમનો દિવસ એટલે વસંત પંચમી. આ પર્વમાં લગ્ન-વાસ્તુ માટે વણજોયું મુહૂર્ત ગણવામાં આવે છે.જ્યોતિષીઓના મતે વસંત પંચમીના આ વખતે રવિયોગ, પંચકયોગ, અખંડ લક્ષ્મીયોગ પણ છે. વસંત પંચમીના દિવસે લગ્નપ્રસંગો ઉપરાંત સગાઇ, વાસ્તુ, ગૃહપ્રવેશ, જમીન-મકાનના સોદાઓ માટે પણ શુભ મનાય છે. વસંત પંચમી અગાઉ જ કોવિડ ગાઇડલાઇન્સમાં છૂટછાટ આપવામાં આવતાં લગ્ન પ્રસંગ યોજનારા માટે રાહત ફેલાઇ છે.
વસંત પંચમીના માતા સરસ્વતીની આરાધનાનું વિશેષ મહત્વ છે. આ નિમિત્તે મંદિરોમાં પણ વિશિષ્ટ આયોજન કરાયું છે. બીજી તરફ સ્વામિનારાયણ મંદિર-કુમકુમ-મણિનગર દ્વારા આજે શિક્ષાપત્રીની 196મી જયંતિની ઉજવણી કરાશે. સહજાનંદ સ્વામીએ આ શિક્ષાપત્રીની રચના સંવત 1882ના વસંતપંચમીના રોજ વડતાલમાં કરી હતી.સરદાર વલ્લભભાઈ પટેલજ કહ્યું હતું કે, ’સ્વામિનારાયણ ભગવાને લખેલી શિક્ષાપત્રી પ્રમાણે સમાજ વર્તે તો દેશમાંથી પોલીસથાણા તથા સર્વ પ્રકારની કોર્ટો ઉઠાવી લેવી પડે.