વિશ્વવ્યાપી મહામારી કોરોના વાયરસના સંક્રમણ સામેનો જંગ ગુજરાતમાં નાગરિકોની રોગપ્રતિકારક શક્તિ વધારીને જીતવા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આરોગ્ય વિભાગ અને આયુષ આયુર્વેદ વિભાગને વ્યાપક ઉપાયો-પગલાં માટે પ્રેરિત કર્યા છે.આ હેતુસર ગુજરાતમાં 60 હજાર કિલોગ્રામ આયુર્વેદ દવાઓ તેમજ 10 લાખ ડોઝ હોમિયોપેથી ઔષધિ-દવાઓના ઓર્ડર આપીને આ દવાઓનું રાજ્યવ્યાપી વિતરણ કરવાનો નિર્ણય કર્યો છે. આ ઔષધિઓ મેળવવા માટે આયુષ અને આરોગ્ય તંત્રને સુચનાઓ અપાઈ છે.આ દવાઓ મેળવવા માટેના ઓર્ડર પણ આયુષ વિભાગે આપ્યા છે.
રોગપ્રતિકારક શક્તિ વધારવામાં આયુર્વેદ દવાઓનો મહત્વપૂર્ણ ફાળો રહેલો છે અને આ દવાઓના અનેક સારા પરિણામો મળ્યા છે તેને પગલે મુખ્યમંત્રીએ કોરોના સંક્રમણની બીજી લહેરમાં પણ આયુર્વેદ-હોમિયોપેથી ઔષધિઓના ઉપયોગથી કોરોના સામેનો જંગ જીતવાની પ્રતિબદ્ધતા દર્શાવી છે.
આ નિર્ણય અનુસાર રાજ્યભરના 33 જિલ્લાઓ માટે 29700 કિ.ગ્રામ અમૃત પેય ઊકાળાનો જથ્થો, સંશમની વટીનો 30 હજાર કિ.ગ્રામ જથ્થો તેમજ ઓર્સેનિક આલ્બમ-30 ના કુલ 10 લાખ ડોઝ રાજ્ય સરકાર વિવિધ સંસ્થાઓ-સંગઠનો-કેન્દ્ર સરકાર પાસેથી મેળવશે. આ આયુર્વેદ દવાઓની વિતરણ વ્યવસ્થા પણ જિલ્લા-તાલુકા અને ગ્રામીણ સ્તર સુધી સુદ્રઢ બનાવવા તલાટીઓ, સરપંચો, આશાવર્કર બહેનો અને સેવા સંસ્થાઓ મારફતે તેનું વિતરણ જન-જન સુધી કરવાની વ્યૂહ રચના ઘડવામાં આવી છે.
કોરોનાથી સંક્રમિત દર્દીઓને સારવાર ઉપરાંત તેમનામાં રોગપ્રતિકારક શક્તિ વધારવાની બાબતને પણ વિશ્વસ્તરે સ્વીકૃતિ મળી છે ત્યારે માનવ શરીરમાં ઇમ્યુનિટી બૂસ્ટ કરતી આયુર્વેદીક દવાઓનો વપરાશ વધ્યો છે. સમગ્ર રાજ્યમાં ગત વર્ષ તા. 6 માર્ચ-2020થી આ ઔષધિઓના વિતરણ દ્વારા અત્યાર સુધીમાં એટલે કે તા. 22 એપ્રિલ-2021 સુધીમાં 10.77 કરોડ અમૃત પેય ઊકાળા ડોઝ લાભાર્થીઓ, 82.70 લાખ સંશમની વટીના અને 6 કરોડ 35 લાખ ઓર્સેનિક આલ્બમ-30 ના લાભાર્થીઓને આવરી લઇ રોગપ્રતિકારક શક્તિ વધારવાનો સફળ પ્રયોગ હાથ ધરાયો છે