Saturday, December 21, 2024
Homeરાજ્યહાલારકાકા અને પિતરાઈ ભાઈના મોતનો બદલો લેવા પોલીસકર્મી હત્યા નિપજાવી સરન્ડર

કાકા અને પિતરાઈ ભાઈના મોતનો બદલો લેવા પોલીસકર્મી હત્યા નિપજાવી સરન્ડર

12 વર્ષ પૂર્વેના બનાવનો બદલો લીધો : બે માસ પૂર્વેના બનાવમાં પોલીસ કર્મી ફરાર હતો: આરોપી પોલીસમેન ત્રણ દિવસના રિમાન્ડ પર

- Advertisement -

જયારે કોઈ પરિવારજનોના મોતનો બદલો મોતથી લેવાનું ઝનુન સવાર થઈ જાય તો વ્યક્તિ કેવું કરી બેસે છે, તેવો એક ચોંકાવનારો કહી શકાય તેવો કિસ્સો દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી સામે આવ્યો છે. જ્યાં કાકા અને પિતરાઈ ભાઈના મોતનો બદલો લેવા માટે એક કાયદાના રક્ષકે પોતે જ કાયદો હાથમાં લઇ, અને હત્યાને અંજામ આપ્યા બાદ પોતે જાતે જ પોલીસ મથકમાં સરન્ડર થયો હોવાની વિગત પોલીસ દ્વારા જાહેર કરવામાં આવી છે.

- Advertisement -

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ખાખરડા ગામે પરબડી સીમમાં ગત તા. 15 મી જુલાઈના રાત્રે એક ખેડુત વૃધ્ધ વજુભા બનેસંગ જાડેજાની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. જે અંગે મૃતકના પુત્ર વનરાજસિંહએ કલ્યાણપુર પોલીસને જાણ કર્યા બાદ બાદ તેમની ફરીયાદના આધારે પોલીસે આ ગુના અંગે અલગ અલગ પાસાઓથી તપાસ હાથ ધરી હતી.

આ ચકચારી હત્યા પ્રકરણમાં પોલીસ તપાસ દરમિયાન હત્યાના બનાવમાં ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારી દશરથસિંહ રણુભા જાડેજાની સંડોવણી હોવાનુ ખુલ્યુ હતુ. જે બાદ તપાસ ટીમ દ્વારા દશરથસિંહની શોધખોળ હાથ ધરાઈ હતી. જે દરમિયાન ગત રવિવારે રાત્રે દશરથસિંહ ખંભાળિયા પોલીસ મથકમાં આ ગુન્હાની તપાસ કરનાર અધિકારી સમક્ષ હાજર થયા હોવાનું પોલીસે જાહેર કર્યું છે.

- Advertisement -

આરોપી પોલીસકર્મી હાજર થયા બાદ તેની સધન પોલીસ પુછપરછમાં આરોપી દ્વારા પોલીસ સમક્ષ એવી કબૂલાત આપવામાં આવી છે કે, ગત 2012ની સાલમાં મૃતક વજુભા જાડેજાની વાડીમાં ઈલેક્ટ્રીક કરંટ મૂકવામાં આવ્યો હતો. જે કરંટ લાગતા આરોપીના કાકા ઉપરાંત કાકાનો દીકરા એમ બંનેના મૃત્યુ થયા હતા. આ બનાવ બાબતે જે-તે સમયે કલ્યાણપુર પોલીસ સ્ટેશનમાં ગુનો પણ નોંધાવવામાં આવ્યો હતો. પોલીસ પુછપરછમાં આરોપીએ પોતાના કાકા ઉપરાંત પિતરાઈ ભાઈના મૃત્યુનો બદલો લેવા માટે હત્યાની આ ઘટનાને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે.

હત્યાના આ સમગ્ર બનાવથી દેવભૂમિ દ્વારકા સહિતના પોલીસબેડામાં ચકચાર મચી જવા પામી છે. ત્યારે ઝડપાયેલા પોલીસ કોન્સ્ટેબલ દશરથસિંહ રણુભા જાડેજા (ઉ.વ. 39, રહે. હાલ ગાયત્રીનગર, શક્તિનગર – ખંભાળિયા, મૂળ રહે. કલ્યાણપુર) ને પોલીસે અદાલત સમક્ષ રજૂ કરી, રિમાન્ડની માંગણી કરતા નામદાર અદાલતે આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular