જામનગરમાં વધુ એક વ્યાજખોર સામે ફરિયાદ નોંધાવવા પામી છે. ધરારનગર સાતનાલા પાસે રહેતાં કિશનસિંહ ઝિણકુભા જેઠવા નામના શખ્સે ખોડિયાર કોલોની વિસ્તારમાં રહેતો પ્રદિપસિંહ ગિરારાજસિંહ જાડેજા પાસેથી રૂા. 25000 10 ટકા વ્યાજે લીધા હતાં.
જે સામે તેમણે સિક્યુરીટી પેટે પોતાના ભાઇનું મોટરસાયકલ ગિરવે રાખ્યું હતું. ચાર મહિનામાં વ્યાજ પેટે રૂા. 10,000 ચૂકવ્યા છતાં પ્રદિપસિંહ જાડેજા દ્વારા અવાર-નવાર વ્યાજના પૈસાની પઠાણી ઉઘરાણી કરવામાં આવી રહી હતી. દરમિયાન છેલ્લા બે મહિનાથી આર્થિક સંકડામણના કારણે વ્યાજના પૈસા ચૂકવી નહીં શકતાં પ્રદિપસિંહે વ્યાજના નાણા અંગે ધાક-ધમકી આપી ત્રાસ આપતાં કંટાળી જઇ કિશનસિંહ જેઠવાએ એસિડ ગટગટાવી લેતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેમણે પોલીસ સમક્ષ પ્રદિપસિંહ જાડેજાના ત્રાસથી કંટાળી પોતે આ પગલુ ભર્યાનું જણાવ્યું હતું. પોલીસે પ્રદિપસિંહ સામે મનિલેન્ડરર્સ એકટ સહિતની કલમો અંતર્ગત ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.