Thursday, November 21, 2024
Homeરાજ્યહાલારહાલારમાં ફરી મેઘસવારી: કાલાવડમાં ધોધમાર ત્રણ અને ખંભાળિયામાં વધુ બે ઈંચ વરસાદ

હાલારમાં ફરી મેઘસવારી: કાલાવડમાં ધોધમાર ત્રણ અને ખંભાળિયામાં વધુ બે ઈંચ વરસાદ

- Advertisement -

જામનગર જિલ્લામાં ફરી મેઘસવારી આવી પહોંચી છે અને આજે વહેલીસવારે ચાર વાગ્યાથી આઠ વાગ્યા સુધીના ચાર કલાકમાં કાલાવડમાં ધોધમાર ત્રણ ઈંચ વરસાદ વરસી ગયો હતો. જ્યારે લાલપુરમાં ઝાપટારૂપે અડધો ઈંચ અને જામનગર શહેરમાં સામાન્ય ઝાપટું વરસ્યું હતું. દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં વધુ બે ઈંચ વરસાદ અને કલ્યાણપુરમાં એક ઈંચ પાણી વરસ્યું હતું.

- Advertisement -

ચોમાસાની સીઝન હાલાર ઉપર હેત વરસાવી રહી છે ચોમાસાની શરૂઆત બાદ હાલારના સર્વત્ર તાલુકાઓ અને ગ્રામ્ય વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી ગયો છે અને જામનગર જિલ્લામાં આજે સવારે 10 વાગ્યા સુધીના 24 કલાક દરમિયાન કાલાવડમાં આજે સવારે 4 વાગ્યાથી લઇને આઠ વાગ્યા સુધીના ચાર કલાકમાં ધોધમાર વરસાદ વરસતા આકાશમાંથી ત્રણ ઈંચ પાણી વરસાવી દીધું હતું. જ્યારે તાલુકાના મોટા વડાળામાં પોણા બે ઈંચ અને પાંચદેવડામાં સવા ઇંચ તથા નિકાવામાં અડધો ઈંચ અને ભલસાણ બેરાજામાં સામાન્ય ઝાપટું વરસ્યું હતું. જ્યારે લાલપુરમાં ઝાપટારૂપે અડધો ઈંચ તથા જામનગર શહેરમાં જોરદાર ઝાપટું વરસ્યું હતું. જામજોધપુર તાલુકાના ધુનડામાં વધુ બે ઈંચ અને સમાણામાં અડધો ઈંચ વરસાદ વરસ્યો હતો તથા લાલપુર તાલુકાના મોટા ખડબા અને જામનગરની મોટી ભલસાણમાં અડધો-અડધો ઈંચ તથા લાલપુરના હરીપર, મોડપર, ભણગોર અને પીપરટોડામાં જોરદાર ઝાપટા પડયા હતાં.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તાજેતરમાં વરસી ગયેલા અતિ ભારે વરસાદ બાદ છેલ્લા આશરે એકાદ સપ્તાહ દરમિયાન મેઘરાજાનો વિરામ રહ્યો હતો. આ પછી આજરોજ ખંભાળિયા જિલ્લાના જુદા-જુદા ભાગોમાં પુન: મેઘરાજાએ પોતાની વૃષ્ટિ વરસાવી છે. જેમાં આજે વહેલી સવારે આશરે છ થી સાત વાગ્યા સુધીના એક કલાકના સમયગાળા દરમિયાન બે ઈંચ (50 મી.મી.) વરસાદ વરસી જવા પામ્યો છે. આ સાથે કલ્યાણપુર પંથકમાં પણ ચઢતા પહોરે એક ઈંચથી વધુ (30 મી.મી.) પાણી પડી ગયું હતું. આ ઉપરાંત દ્વારકા તાલુકામાં આજે 11 મી.મી. અને ભાણવડ તાલુકામાં 5 મી.મી. વરસાદ નોંધાયો છે.

- Advertisement -

ખંભાળિયા શહેરમાં આજરોજ સવારે મુશળધાર વરસાદના પગલે રામનાથ રોડ, નગર ગેઈટ, જોધપુર ગેઈટ, નવાપરા, સહિતના વિસ્તારોમાં પૂર જેવા પાણી ચાલી નીકળ્યા હતા. આ સાથે કેટલાક ખેતરોમાં વરસાદી પાણી ભરાયેલા રહેતા તેમજ વધુ વરસાદ વરસતા ઉભા પાકને વ્યાપક નુકસાની થવાની દહેશત પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. મોસમનો કુલ વરસાદ દ્વારકામાં 54 ઈંચ, કલ્યાણપુરમાં 51 ઈંચ, ખંભાળિયામાં 45 ઈંચ અને ભાણવડમાં 29 ઈંચ વરસી જવા પામી છે. જિલ્લાના તમામ મોટા જળાશયો હાલ સંપૂર્ણપણે ભરાઈ ચૂક્યા છે.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular