ખંભાળિયા તાલુકાના દાત્રાણા ગામે રહેતા પ્રાણલાલ સવજીભાઈ ત્રિવેદીને ઇન્દિરા આવાસ યોજના હેઠળ વર્ષ 2009-10 માં મકાન બાંધવા માટે લોન સહાયના રૂપિયા 46,000 મંજુર થયા હતા. જે ત્રણ હપ્તેથી રૂપિયા 35 હજાર મળી ગયા હતા. બાકી રહેતા રૂપિયા 11,000 ની લોનનો છેલ્લો હપ્તો મેળવવા માટે ગ્રામ સેવક દિલીપ મોહનભાઈ વાઘેલાનો સંપર્ક કરતા તેમણે ફરિયાદી પ્રાણલાલ ત્રિવેદીને ચેક આપવા સામે રૂપિયા 500ની લાંચની માંગણી કરી હતી. જેને અનુલક્ષીને ફરિયાદીએ “અત્યારે મારી પાસે સગવડ નથી. બે દિવસ પછી વ્યવસ્થા કરી આપીશ”- તેમ કહ્યું હતું. ત્યાર પછી આરોપી દિલીપ વાઘેલાએ “ઓફિસ સમયમાં રૂબરૂ આવીને વહીવટના રૂપિયા 500 આપીને ચેક લઈ જજો”- તેમ કહ્યું હતું. ફરિયાદી પ્રાણલાલભાઈ ગ્રામસેવક દિલીપ વાઘેલાને લાંચ આપવા માંગતા ન હોવાથી એ.સી.બી. વિભાગનો સંપર્ક કર્યો હતો.
જેને અનુલક્ષીને ટ્રેપિંગ અધિકારી પી.એ. ઝાલા દ્વારા લાંચનું છટકું ગોઠવી, અને આરોપી દિલીપ મોહન વાઘેલાને પંચની હાજરીમાં રૂપિયા 500 માંગી અને તે રકમ સ્વીકારતા દબોચી લીધો હતો. જે અંગે જામનગર એ.સી.બી. પોલીસ મથકમાં ધોરણસર ગુનો નોંધાયો હતો. જેને અનુલક્ષીને તારીખ 8-12-2011 ના રોજ ખંભાળિયામાં વર્ગ-3 ના કર્મચારી એવા ગ્રામ સેવક દિલીપ વાઘેલા સામે ગુનો દાખલ થયેલો હતો.
આ સમગ્ર કેસ એડિશનલ સેશન્સ કોર્ટમાં ચાલી જતા જજ વી.પી. અગ્રવાલ દ્વારા આ કેસને અનુલક્ષીને મહત્વના પંચો તેમજ સાહેદોની તપાસ તેમજ તપાસનીસ અધિકારીની જુબાની સાથે જિલ્લા સરકારી વકીલ એલ.આર. ચાવડાની તર્કબદ્ધ દલીલોને ગ્રાહ્ય રાખી, ઉપરોક્ત આરોપીને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ હેઠળ ત્રણ વર્ષની સખત કેદ તથા રૂપિયા 15,000 નો દંડ અને જો દંડ ન ભારે તો વધુ કેદની સજા ફટકારતો હુકમ કર્યો છે.


