Tuesday, February 24, 2026
Homeરાજ્યગુજરાતરાજ્યભરમાં ત્રણ ઋતુનો માહોલ સર્જાયો; 6 જિલ્લામાં યલો ઍલર્ટ

રાજ્યભરમાં ત્રણ ઋતુનો માહોલ સર્જાયો; 6 જિલ્લામાં યલો ઍલર્ટ

રાજ્યમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી વાતાવરણમાં ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. શિયાળાની વિદાય અને ઉનાળાના આગમન વચ્ચે મેઘરાજાએ એન્ટ્રી કરતાં રાજ્યભરમાં ત્રણ ઋતુનો માહોલ સર્જાયો છે. સોમવારે અમદાવાદ, ભરૂચ અને અમરેલી સહિતના જિલ્લાઓમાં ખાબકેલા કમોસમી વરસાદ બાદ મંગળવારે પણ હવામાન વિભાગે છ જિલ્લાઓ માટે યલો ઍલર્ટ જાહેર કર્યું છે. બીજી તરફ નોંધનીય છે કે, સુરેન્દ્રનગરના લખતર તાલુકામાં ગત મોડીરાત્રે કમોસમી વરસાદી ઝાપટા પડ્યા હતા. જ્યારે કડુ, ઓળક, માલિકા, તરમણીયા અને કળમ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં સામાન્ય વરસાદ નોંધાયો હતો. ત્યારે અનેક જિલ્લામાં અચાનક વાતાવરણ પલટાયું હતું. તેજ પવન સાથે પડેલા કમોસમી વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક તો પ્રસરી છે, પરંતુ ખેડૂતોમાં ચિંતાના વાદળો ઘેરાયા છે.

- Advertisement -

કયા જિલ્લાઓમાં યલો એલર્ટ?

હવામાન વિભાગે આગામી 24 કલાકમાં ઉત્તર અને પૂર્વ ગુજરાતમાં હળવા વરસાદની શક્યતા વ્યક્ત કરતા સાવચેતીના ભાગરૂપે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, છોટા ઉદેપુર, દાહોદ અને પંચમહાલ જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગના જણાવ્યાનુસાર, આજે રાજ્યના અનેક ભાગોમાં તેજ પવન અને વાવાઝોડા જેવી સ્થિતિ વચ્ચે વરસાદ વરસી શકે છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં માવઠાની શક્યતા. દક્ષિણ ગુજરાતના ભરૂચ, તાપી, સુરત અને નર્મદામાં પવન સાથે હળવા ઝાપટાંની આગાહી. જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છ: સૌરાષ્ટ્રના અમરેલી સહિતના ભાગો અને કચ્છમાં પણ કમોસમી વરસાદની પૂરેપૂરી શક્યતા છે.

દિવસભર વાદળછાયું વાતાવરણ અને સાંજે વરસાદ

અમદાવાદમાં સોમવારે દિવસભર વાદળછાયા વાતાવરણ બાદ રાત્રિના સમયે વાતાવરણમાં પલટો આવ્યો હતો. સિંધુ ભવન રોડ, એસ.જી. હાઈવે, ગોતા અને ચાંદલોડિયામાં દિવસ દરમિયાન ઝાપટાં પડ્યા હતા. જ્યારે રાત્રિના સમયે પ્રહલાદનગર, સરખેજ અને શિવરંજની સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો હતો. આજે વહેલી સવારથી જ અમદાવાદમાં ઠંડા પવન અને ભારે ભેજને કારણે ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું, જેનાથી વિઝિબિલિટી ઘટતા વાહનચાલકોને મુશ્કેલી પડી હતી.

- Advertisement -

24 ફેબ્રુઆરીથી રાજ્યમાં હવામાન પલટાશે અને વાતાવરણ મુખ્યત્વે શુષ્ક રહેવાની શક્યતા છે. જોકે, તાપમાનમાં વધ-ઘટ ચાલુ રહેશે, જેમાં બપોરના સમયે મહત્તમ તાપમાન 34 ડિગ્રી સુધી પહોંચી શકે છે, જ્યારે લઘુત્તમ તાપમાન 18થી 20 ડિગ્રીની વચ્ચે રહેશે. હવામાન વિભાગના મતે આગામી દિવસોમાં લઘુત્તમ તાપમાનમાં 2-3 ડિગ્રીનો ઘટાડો થતા ઠંડીનું જોર ફરી થોડું વધી શકે છે.

ખેડૂતોમાં ચિંતાનો વ્યાપ

ફેબ્રુઆરીમાં એકસાથે ઠંડી, ગરમી અને વરસાદનો અનુભવ થતાં જનજીવન પ્રભાવિત થયું છે. ખાસ કરીને રવિ પાકની કાપણીના સમયે જ માવઠું થતાં ખેડૂતોમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે. ઘઉં, જીરું અને રાયડો જેવા પાકને આ વરસાદથી મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.

- Advertisement -

ખેતી પર અસરની ભીતિ

કમોસમી વરસાદને કારણે ખેતીના પાકોને નુકસાન થવાની ભીતિ ઊભી થઈ છે. હાલ ઘણા વિસ્તારોમાં રબી પાક પાકવાની અવસ્થામાં છે. ખાસ કરીને ઘઉં, જીરૂં, બટાકા અને શાકભાજી જેવા પાકોને નુકસાન પહોંચી શકે છે. ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે, કારણ કે અચાનક પડતા વરસાદથી ઉત્પાદન અને ગુણવત્તા બંને પર અસર પડી શકે છે.

નાગરિકોને સાવચેતીની સલાહ

હવામાન નિષ્ણાતોએ નાગરિકોને અનાવશ્યક બહાર ન નીકળવાની, વીજળીના તારોથી દૂર રહેવાની અને ખુલ્લી જગ્યાએ આશરો ન લેવા સૂચના આપી છે. ખેડૂતોએ પાકને શક્ય હોય તેટલી સુરક્ષા આપવાની અને કાપણી માટે તૈયાર પાકને વહેલી તકે સંભાળવાની સલાહ આપવામાં આવી છે.

સૌરાષ્ટ્ર અને કચ્છને છોડી હાલ રાજ્યના તમામ જિલ્લાઓમાં કમોસમી આફત જોવા મળી રહી છે. અનેક જિલ્લાઓમાં વાતાવરણ વાદળછાયું જોવા મળી રહ્યું છે અને વિસ્તારમાં સવારથી જ વરસાદી માહોલ છે અને આગામી 30 કલાક સુધી પણ આવી જ સ્થિતિ રહેશે તેવી આગાહી છે.

આગામી 30 કલાક સુધી રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગની આગાહી છે કે રાજ્યના 17 જિલ્લાઓમાં ભારે વરસાદ સાથે વરસાદ ત્રાટકી શકે છે. દક્ષિણ ગુજરાતથી લઇને મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત સુધીના જિલ્લાઓમાં માવઠાનું એલર્ટ છે. કેટલાક જિલ્લામાં તો યલો એલર્ટ અપાયુ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular