મે મહિનાની પહેલી તારીખથી 18 વર્ષથી ઉપરના તમામ લોકો માટે રસીકરણ શરૂ થતાં પહેલાં કેન્દ્ર સરકારની સૂચના અનુસાર સીરમ ઇન્સ્ટિટયૂટ ઓફ ઇન્ડિયાએ પોતાની કોવિશીલ્ડ વેક્સિનના ભાવ બહાર પાડયા છે. કંપની રાજય સરકારોને પ્રતિ ડોઝ રૂા.400 અને ખાનગી હોસ્પિટલોને રૂા. 600ના ભાવે વેક્સિન આપશે. કંપનીની આ જાહેરાત સાથે જ વેક્સિનના ભાવ અંગે હોબાળો શરૂ થયો છે. હકીકતમાં, સીરમ અત્યાર સુધી કેન્દ્ર સરકારને પ્રતિ ડોઝ રૂા. 150 ના ભાવે વેક્સિન આપતી હતી. અને કરાર મુજબ જુલાઇ સુધી આ ભાવે જ આપવાની છે. રાજય સરકારો માટે વધુ ભાવ રાખવાથી વિરોધ પક્ષોએ કેન્દ્ર સરકારને આડે હાથ લીધી છે. આટલું જ નહીં ખાનગી હોસ્પિટલો માટે નવા ભાવ જાહેર થવાથી હવે ખાનગીમાં રસી લેનારા 45+ ના લોકો અને ફ્રન્ટલાઇન વર્કર્સે પણ વધુ ભાવ ચૂકવવો પડશે. અત્યાર સુધી આ તમામને ખાનગી હોસ્પિટલોમાં પ્રતિ ડોઝ રૂા.250ના ભાવે રસી અપાતી હતી. જેમાં રૂા. 150ની રસી અને રૂા.100 લોજિસ્ટિક ચાર્જ હતો. જો નવા ભાવ લાગુ થયા તો લોજિસ્ટિક ચાર્જ સાથે એક ડોઝ રૂા. 700નો પડશે. એટલે કે, 45+ના જે લોકોએ અગાઉ ખાનગી હોસ્પિટલમાં રૂા.250ના ભાવે રસી લીધી છે, તેમણે બીજો ડોઝ મોંઘા ભાવે ખરીદવો પડશે. જોકે, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના અધિકારીઓનું કહેવું છે કે, કેન્દ્ર સરકાર તરફથી સરકારી હોસ્પિટલો અને સરકારી રસીકરણ કેન્દ્રો પર 45+ના લોકો અને ફ્રન્ટલાઇન વર્કર્સને મફતમાં જ રસી આપવામાં આવશે.