જામનગરના લાખાબાવળ ગામની સીમમાંથી સ્થાનિક પોલીસે બોલેરો કારને આંતરીને તલાસી લેતા તેમાંથી 58 બોટલ દારૂ સાથે ત્રણ શખ્સોની ધરપકડ કરી તપાસ હાથ ધરી હતી. એલસીબીની ટીમે નિલકમલ સોસાયટીમાંથી દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ઝડપી લઇ કાર્યવાહી હાથ ધરી હતી.
દરોડાની વિગત મુજબ, જામનગર તાલુકાના લાખાબાવળ ગામથી સેવનસીઝન તરફ જવાના રસ્તા પરથી કારમાં દારૂનો જથ્થો પસાર થવાની હેકો નિર્મળસિંહ જાડેજા, હરદેવસિંહ જાડેજા, પો.કો. સુમિત શિયાળને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ અને ડીવાયએસપી ડી.પી.વાઘેલાની સૂચનાથી સીપીઆઈ એમ.આર. રાઠવાના નેજા હેઠળ પીએસઆઈ એમ.એ. મોરી, હેકો નિર્મળસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ ઝાલા, હરદેવસિંહ જાડેજા, તથા પો.કો. સુમિતભાઈ શિયાર તથા મયુરસિંહ જાડેજા, ખીમાભાઈ જોગલ સહિતના સ્ટાફે વોચ ગોઠવી બાતમી મુજબની જીજે-10-ટીએકસ-4917 નંબરની બોલેરો કાર પસાર થતા આંતરીને તલાસી લેતા કારમાંથી રૂા.29 હજારની કિંમતની ઈંગ્લીશ દારૂની 58 બોટલ મળી આવતા પોલીસે દિવ્યરાજસિંહ અનોપસિંહ કંચવા, ભગીરથસિંહ રૂપસિંહ પરમાર અને વિરેન્દ્રસિંહ ઉર્ફે વિશાલ બહાદુરસિંહ કંચવા નામના ત્રણ શખ્સોને ઝડપી લઇ દારૂ અને બોલેરો સહિત કુલ રૂા.4,29,000 નો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી હતી.
બીજો દરોડો, એલસીબીના શિવભદ્રસિંહ જાડેજા અને ફિરોઝ ખફીને મળેલી બાતમીના આધારે જામનગરના ખોડિયાર કોલોની નિલકમલ સોસાયટીમાં રહેતો મુરુ નારણ ભાન નામનો શખ્સ તેના મકાનમાં દેશી દારૂની ભઠ્ઠી ચલાવતો હોવાથી પીઆઈ જે.વી. ચૌધરી તથા ટીમે રેઈડ દરમિયાન મકાનમાંથી 160 લીટર દારૂ, 600 લીટર દારૂ બનાવવાનો આથો, લોખંડના ચૂલા, ગેસના બાટલા, ઇલેકટ્રીક મોટર, રૂા. 10,500 ની કિંમતના બે મોબાઇલ ફોન મળી કુલ રૂા.20 હજારની કિંમતનો મુદ્દામાલ કબ્જે કરી ઝડપી લઇ વધુ તપાસ હાથ ધરી હતી.