જામનગર તાલુકાના લોઠીયા ગામના પાટીયા નજીકથી પસાર થતી સ્વીફટ કારને આંતરીને પોલીસે તલાસી લેતા તેમાંથી રૂા.20 હજારની કિંમતનો એક હજાર લીટર દેશી દારૂ અને કાર તથા મોબાઇલ તેમજ રોકડ સહિત રૂા.6 લાખની કિંમતનો મુદ્દામાલ સાથે ત્રણ શખ્સોને ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર તાલુકાના લોઠીયા ગામના પાટીયા નજીકથી દેશી દારૂનો જથ્થો પસાર થવાની મળેલી બાતમીના આધારે પીએસઆઈ સી.એમ. કાંટેલિયા તથા સ્ટાફે વોચ ગોઠવી હતી અને તે દરમિયાન પસાર થતુ જીજે-10-ડીએ-6375 નંબરની કાર અને જીજે-10-ડીસી-0499 નંબરના બાઈકને આંતરીને તલાસી લેતા કારમાંથી રૂા.20 હજારની કિંમતનો એક હજાર લીટર દેશી દારૂનો જથ્થો મળી આવતા પોલીસે હિતેશ ઉર્ફે સાકી સોમા ચાવડા, હરેશ ભરત સોલંકી, સુરેશ ઉર્ફે સુરિયો વિજય સોનગરા નામના ત્રણ શખ્સોને ઝડપી લઇ ચાર લાખની કિંમતની સ્વીફટ કાર અને 40 હજારની કિંમતનું બાઈક તથા રૂા.1,45,000 ના ચાર નંગ મોબાઇલ અને રૂા.500 ની રોકડ રકમ મળી કુલ રૂા.6,05,500 ની કિંમતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
પોલીસે ઝડપાયેલા ત્રણેય શખ્સોની પૂછપરછ હાથ ધરતા આ દારૂનો જથ્થો જામનગરના પ્રદિપ જેન્તી વીછીના કહેવાથી મોરજર ગામના પાટીયા પાસેથી મો.6356925112 ના નંબરધારક પાસેથી ખરીદ્યો હતો. આ કેફીયતના આધારે પોલીસે પાંચ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી અન્ય બે શખ્સોની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.