જામનગર તાલુકાના મોટા થાવરિયા ગામના ત્રણ શખ્સો દ્વારા વડોદરાના પ્રૌઢાનું વડિલોપાર્જિત મકાન પચાવી પાડી આ જમીનમાં નવું મકાન બનાવી ગેરકાયદેસર દબાણ કર્યાના બનાવમાં પ્રૌઢાની ફરિયાદના આધારે પોલીસે તપાસ આરંભી હતી.
આ બનાવની વિગત મુજબ વડોદરાના આયોનેક્સ સિનેમા સામે આવેલા ઇન્દ્રપ્રસ્થ કોમ્પ્લેક્સ, 404-A માં રહેતાં શોભનાબેન હિતેનભાઇ પટેલ (ઉ.વ.55) નામના પ્રૌઢાનું જામનગર તાલુકાના મોટા થાવરિયા ગામની સીમમાં આવેલા નવા રે.સ.નં. 887, (જૂના રે.સ.નં.400/9) વાળી જમીનમાં આવેલ વડિલોપાર્જિન જૂનું મકાન તેમજ જૂની ઓરડીઓ પૈકીની એક ઓરડી પડી ગઇ હતી. આ ડેલાની જગ્યામાં મોટા થાવરિયા ગામના ધીરૂ દેવશી ચોવટિયા, જેન્તી દેવશી ચોવટિયા અને રતિલાલ દેવશી ચોવટિયા નામના ત્રણ શખ્સોએ ડેલાની જગ્યામાં કબ્જો કરી લીધો હતો. તેમજ ધીરૂએ આ જમીનના પશ્ચિમ શેઢે નવું મકાન બનાવી પ્રૌઢાની માલિકીની જમીનમાં ગેરકાયદેસર દબાણ કરી આવવા-જવા માટે રસ્તો પણ બનાવી લીધો હતો.
વડિલોપાર્જિત જમીનમાં ત્રણ ભાઇઓ દ્વારા ગેરકાયદેસર દબાણ કરી કબ્જો કરી લેનાર શખ્સો સામે વડોદરાના પ્રૌઢોએ આખરે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે ગ્રામ્ય ડીવાયએસપી મીત રૂદલાલ તથા સ્ટાફએ ત્રણ ભાઇઓ વિરૂઘ્ધ ગુનો નોંધી આગળની તપાસ આદરી હતી.


