દેવભૂમિ દ્વારકા જિલ્લા એલસીબી પોલીસે રવિવારે જુદા જુદા બે સ્થળોએ વિદેશી દારૂ અંગે કરેલી કાર્યવાહીમાં પરપ્રાંતિય બનાવટના શરાબની 148 બોટલ સાથે ત્રણ શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા. આ પ્રકરણમાં એક શખ્સ ફરાર જાહેર થયો છે.
દારૂના દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો રેન્જ આઈ.જી. નિર્લિપ્ત રાયની સૂચના મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસવડા જયરાજસિંહ વાળાના વડપણ હેઠળ એલસીબી વિભાગના ઈન્ચાર્જ પી.આઈ. એન.એચ. જોશી તેમજ તેમની ટીમ દ્વારા રવિવારે જુદા જુદા વિસ્તારોમાં પેટ્રોલિંગ કાર્યવાહી કરવામાં આવી હતી. જે દરમિયાન ભાણવડ પંથકમાં પહોંચતા એલસીબીના હેડ કોન્સ્ટેબલ શક્તિસિંહ જાડેજા, શક્તિસિંહ ઝાલા તથા મનહરસિંહ જાડેજાની બાતમીના આધારે ગુંદા ગામથી જામપર ગામ જતા રસ્તે ચોકડી પર રૂપિયા 14,400ની કિંમતની વિદેશી દારૂની 48 બોટલ સાથે મોટરસાયકલ પર નીકળેલા મોટા ગુંદા ગામના મુકેશ ઉર્ફે મુકો શાંતિલાલ ખીરસરીયા અને અશ્ર્વિન ઉર્ફે હસુ પોપટલાલ ફળદુ નામના બે શખ્સોને રૂપિયા 25,000ની કિંમતમાં મોટરસાયકલ મળી કુલ રૂપિયા 39,400ના મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવ્યા હતા. આ પ્રકરણમાં મોરઝર ગામનો સુભાષ રાઠોડ નામનો શખ્સ ફરાર જાહેર થયો છે.
બીજા દરોડામાં મોરઝર ગામે રહેતા સુભાષ વીરાભાઈ રાઠોડ (ઉ.વ. 42)ને પોલીસે રૂપિયા 48,600ની કિંમતની વિદેશી દારૂની 100 બોટલ તેમજ રૂપિયા 5,000ની કિંમતના મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 53,600ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો. દારૂનો આ જથ્થો તેણે જામજોધપુર તાલુકાના બાલવા ગામે રહેતા હમીર રબારી નામના શખ્સ પાસેથી મેળવ્યો હોવાનું પોલીસ સમક્ષ કબૂલ્યું હતું. જેથી તેને હાલ ફરાર જાહેર કરવામાં આવ્યો છે.
આ બંને દરોડામાં પોલીસે રૂ. 93,000ની કિંમતની 148 બોટલ શરાબ સહિતનો મુદ્દામાલ કબજે લઈ, ધોરણસરની કાર્યવાહી કરી હતી. આ સમગ્ર કાર્યવાહી એલ.સી.બી.ના ઈન્ચાર્જ એન.એચ. જોશી, પી.એસ.આઈ. બી.એમ. દેવમુરારી એસ.વી. કાંબલીયા, શક્તિસિંહ ઝાલા, શક્તિસિંહ જાડેજા, પરેશભાઈ, મયુરભાઈ, મનહરસિંહ, હસમુખભાઈ વિગેરે દ્વારા કરવામાં આવી હતી.


