ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇ રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત થઇ રહી છે. ગઇકાલે ભાજપાએ 160 ઉમેદવારોની યાદી જાહેર કર્યા બાદ મોડીરાત્રે કોંગ્રેસ દ્વારા 46 ઉમેદવારોના નામની બીજી યાદી જાહેર કરી છે. જેમાં જામનગર જિલ્લાની ત્રણ બેઠકો તેમજ ખંભાળિયાની બેઠકના ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી છે. તા. 4 નવેમ્બરે કોંગ્રેસ દ્વારા 43 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કર્યા બાદ ગઇકાલે મોડીરાત્રે વધુ 46 ઉમેદવારોની યાદી જાહેર કરાતાં કુલ 89 ઉમેદવારો જાહેર કરાયા છે.
આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇ કોંગ્રેસ દ્વારા ટિકિટ ફાળવણીના બીજા રાઉન્ડમાં હાલારની ચાર બેઠકો સહિત 46 બેઠકોના નામ જાહેર કર્યા છે. જેમાં જામનગર જિલ્લાની 76-કાલાવડ બેઠક ઉ5ર પ્રવિણ મુછડીયાને ફરી વખત રિપીટ કરવામાં આવ્યા છે. ગત 2017ની ચૂંટણીમાં કાલાવડ બેઠક પરથી પ્રવિણ મુછડીયા ભાજપના ઘેયડા મુળજીભાઇને હરાવી વિજેતા થયા હતાં. ત્યારે કોંગ્રેસ દ્વારા આ અનામત બેઠક પર ફરી વખત રિપીટ કરવામાં આવ્યા છે.
જામનગર દક્ષિણ વિધાનસભા બેઠક ઉપર કોંગ્રેસ દ્વારા મનોજ કથિરીયાને આ બેઠક પર ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. મનોજ કથિરીયા સૌપ્રથમ વખત વિધાનસભાની ચૂંટણી લડી રહ્યા છે. ત્યારે કોંગ્રેસ દ્વારા તેના પર પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો છે. જામનગર જિલ્લાની 80-જામજોધપુર વિધાનસભા બેઠક ઉપર કોંગ્રેસ દ્વારા સિટીંગ ધારાસભ્ય ચિરાગ કાલરિયાને ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. ઉલ્લેખનિય છે કે, ગત 2017 વિધાનસભાની ચૂંટણીમાં જામજોધપુર બેઠક પરથી પાટિદાર આંદોલન ફેકટરને કારણે કોંગ્રેસના ચિરાગ કાલરિયાને ભાજપાના ચિમનભાઇ શાપરીયાને પરાજય આપ્યો હતો. ત્યારે આ વખતે કોંગ્રેસ દ્વારા તેના સિટીંગ ધારાસભ્ય ચિરાગ કાલરીયાને ફરી એક વખત રિપીટ કરવા નિર્ણય કરાયો છે અને ગઇકાલે રાત્રે જાહેર કરાયેલી યાદીમાં જામજોધપુર બેઠક પર ચિરાગ કાલરીયાના નામની જાહેરાત કરવામાં આવી હતી.
આ સાથે કોંગ્રેસ દ્વારા 81-ખંભાળિયા વિધાનસભાની બેઠક ઉપર વિક્રમભાઇ માડમને પણ રિપિટ કરાયા છે. કોંગ્રેસના અગ્રણી અને ગત 2017 વિધાનસભાની ચૂંટણીમાં ખંભાળિયા વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી ભાજપાના કાળુભાઇ ચાવડાને કોંગ્રેસના વિક્રમભાઇ માડમે પરાજય આપ્યો હતો. ત્યારે આ વખતે કોંગ્રેસ દ્વારા સિટીંગ ધારાસભ્ય વિક્રમ માડમને ફરી એક વખત ખંભાળિયા વિધાનસભાની બેઠક પર ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. આ સાથે હાલાર જિલ્લાની ચાર બેઠક સહિત 46 ઉમેદવારો જાહેર થઇ ચૂકયા છે. જામનગર ઉત્તર વિધાનસભા બેઠક ઉપર કોંગ્રેસ દ્વારા અગાઉ જ બિપેન્દ્રસિંહ જાડેજાના નામની જાહેરાત થઇ ચૂકી છે. જ્યારે 77-જામનગર ગ્રામ્ય અને 82-દ્વારકા વિધાનસભા બેઠકના ઉમેદવારોની હજૂ સુધી જાહેરાત થઇ નથી.