જામનગરમાં પટ્ટણીવાડમાં રહેતાં પ્રૌઢ ઉપર બે શખ્સોએ જૂની અદાવતનું મનદુ:ખ રાખી પ્રૌઢની હોટલે આવી ગાળો બોલીને હોટલમાં કામ કરતા યુવાનને ઝાપટ મારી હતી. આ દરમ્યાન વચ્ચે પડેલા પ્રૌઢને બિભત્સ વાણીવિલાસ આચરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તેમજ હોટલમાં રહેલા ટેબલ-ખુરશી સહિતના ફર્નિચરને તોડી નાખી નુકશાની પહોંચાડી હતી.

આ હુમલાના બનાવની મળતી વિગત મુજબ જામનગર શહેરના પટ્ટણીવાડ વિસ્તારમાં રહેતાં અસલમ ખિલજી ઉપર અલ્તાફ ખફીના કહેવાથી ખુની હુમલો કર્યાના બનાવમાં રફિક કરીમ ખિલજી દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. આ પોલીસ ફરિયાદનું મનદુ:ખ રાખી તબરેજ ખફી, મ. ઇકબાલ ખફી અને સાહિદ ખફી નામના ત્રણ શખ્સોએ અસલમના ભાઇ રફિકની ચાની હોટલે આવી હોટલ સંચાલક પ્રૌઢ તથા તેના કારીગર સાથે ગાળગાળી કરી પતાવી દેવાની ધમકી આપી હતી. કારીગર અબ્દુલને ફડાકા ઝિંકતા પ્રૌઢ હોટલ સંચાલક વચ્ચે પડતા ત્રણ શખ્સોએ તેને પણ પતાવી દેવાની ધમકી આપી હતી. ત્યારબાદ હોટલ બહાર રાખેલા ટેબલ-ખુરશી પછાડીને તોડી નાખી નુકશાન પહોંચાડયું હતું. આ બનાવ અંગેની જાણ કરાતા એએસઆઇ એમ. એમ. ચંદ્રપાલ તથા સ્ટાફએ ત્રણ શખ્સો વિરૂઘ્ધ મારામારી અને ધમકીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


