જોડિયા ગામમાં પાણીના નિકાલ બાબતે સમજાવવા ગયેલા માછીમાર યુવાનને ત્રણ શખ્સોએ ફડાકા ઝિંકી લોખંડના પાઇપ વડે હુમલો કરી મારી નાખવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.
હુમલાના આ બનાવની વિગત મુજબ જોડિયા ગામમાં મફતિયાપરા વિસ્તારમાં રહેતો ગુલામહુશેન લતીફભાઇ સન્ના (ઉ.વ.25) નામનો માછીમાર યુવાનના કાકા મન્સુરભાઇના ઘરની બાજુમાં રહેતાં આદમભાઇ સન્ના સાથે યુનુસ ઇશાક રાધા, એઝાઝ બોદુ રાધા, રમઝાન બોદુ રાધા નામના ત્રણ શખ્સો પાણીના નિકાલ બાબતે બોલાચાલી કરી માથાકૂટ કરતા હતા. જેથી ગુલામહુશેન ત્રણેય શખ્સોને સમજાવવા જતાં ઉશ્કેરાયેલા ત્રણ શખ્સોએ ગુલામહુશેન સાથે બોલાચાલી કરી ફડાકા ઝિંકી દીધા હતા. ત્યારબાદ લોખંડના પાઇપ તથા ઢીકાપાટુનો માર મારી ઇજા પહોંચાડી હતી. ઉપરાંત યુવાનના કાકા મન્સુરભાઇ ઉપર લોખંડના પાઇપ વડે હુમલો કરી પતાવી દેવાની ધમકી આપી હતી.
હુમલાના બનાવ અંગેની જાણના આધારે હે.કો. એમ. બી. ઝરમરિયા તથા સ્ટાફએ ત્રણ શખ્સો વિરૂઘ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


