જામનગર શહેરના ધરારનગરમાં રહેતાં આધેડના મોટાભાઇના અવસાન બાદ ઉત્તરક્રિયાનું રાશન લેવા બાબતે થયેલી બોલાચાલીનો ખાર રાખી દંપતિ સહિતના ત્રણ શખ્સોએ આધેડને ગાળો કાઢી, લોખંડના પાઇપ વડે હુમલો કર્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી.
આ બનાવની વિગત મુજબ શહેરના ધરારનગરમાં રહેતાં રમેશભાઇ મગનભાઇ મકવાણા (ઉ.વ.50) નામના મજૂરીકામ કરતાં આધેડના મોટાભાઇ બાબુભાઇનું 6 દિવસ પહેલાં અવસાન થયું હતું. તેમની ઉત્તરક્રિયા માટે રાશન લેવાની બાબતે દિનેશ બચુભાઇ મકવાણા સાથે બોલાચાલી થઇ હતી. આ બાબતનો ખાર રાખી ગત્ તા. 07ના રોજ બપોરના સમયે દિનેશ બચુ મકવાણા, સુજલ સુરેશ મકવાણા, માનસીબેન સુજલ મકવાણા નામના ત્રણ શખ્સોએ રમેશના ઘર પાસે આવી બહાર બોલાવતાં ત્રણેય શખ્સોએ રમેશને જેમ ફાવે તેમ ગાળો કાઢી, લોખંડના પાઇપ વડે હુમલો કરી, ઢીકાપાટુનો માર માર્યો હતો. આ સમયે રમેશની પુત્રવધૂ તુલસીબેન વચ્ચે પડતાં તેને પણ મહિલાએ ઇંટ વડે હુમલો કરી ઇજા પહોંચાડી હતી. ત્યારબાદ બન્ને ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં બનાવની જાણના આધારે એએસઆઇ એન. ડી. પરમાર તથા સ્ટાફએ રમેશભાઇના નિવેદનના આધારે પોલીસે દંપતિ સહિતના ત્રણ શખ્સો વિરૂઘ્ધ તપાસ આરંભી હતી.


