Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગર જિલ્લામાં આકાશી વીજળીના કહેરથી ત્રણના મોત

જામનગર જિલ્લામાં આકાશી વીજળીના કહેરથી ત્રણના મોત

નરમાણા ગામમાં શ્રમિક યુવાનનું વીજળી પડતા મૃત્યુ : બુટાવદરમાં આકાશી વીજળી પડતા ખેડૂત પ્રૌઢનું મોત : દોઢીયામાં યુવતી ઉપર વીજળી પડતા મૃત્યુ

- Advertisement -

જામજોધપુર ગામમાં અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લાં 24 કલાક દરમિયાન બે થી સાડા ત્રણ ઈંચ જેટલો ધોધમાર વરસાદ વરસ્યો હતો. વરસાદની સાથે સાથે વીજળીના કડાકા-ભડાકા વચ્ચે નરમાણાના વાડી વિસ્તારમાં આકાશી વીજળી પડતા યુવાનનું અને બુટાવદરમાં ખેડૂત પ્રૌઢનું વીજળી પડતા મોત નિપજ્યાની બે ઘટનાઓ બની છે.

- Advertisement -

આ વર્ષે જામનગર શહેર અને જિલ્લામાં ચોમાસાની સીઝનનો પ્રારંભ થયા પછી જોઇએ તેટલો વરસાદ વરસ્યો નથી. શરૂઆતમાં જોરદાર ઝાપટારૂપે બે થી ત્રણ ઈંચ જેટલું પાણી આકાશમાંથી વરસ્યું છે. વરસાદની સાથે સાથે મેઘાવી કહેર પણ વરસી રહ્યો છે. જેમાં છેલ્લાં 24 કલાક દરમિયાન જામનગર શહેર અને જિલ્લામાં આકાશી વીજળી પડતા ત્રણ વ્યક્તિઓના મોત નિપજ્યાની ઘટનાઓ સામે આવી છે જ્યારે એક યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ઘટનાઓમાં પ્રથમ બનાવ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના કટુવા ગામનો વતની અને હાલ જામજોધપુર ગામની સીમમાં આવેલી દેવરખીભાઈ ડાંગરના ખેતરમાં મજુરી કામ કરતા દુલ્જીયા ઉર્ફે મગનભાઈ દલુભાઇ ભુરીયા (ઉ.વ.30) નામનો યુવાન ગઈકાલે મંગળવારે સાંજના 4 વાગ્યાના અરસામાં તેના ખેતરે હાજરો હતો ત્યારે વરસાદી માહોલ વચ્ચે એકાએક આકાશમાંથી વીજળી દુલ્જીયા યુવાન ઉપર પડતા બેશુધ્ધ થઈ જતાં હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં જ્યાં તેમનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું.

જયારે જામજોધપુર તાલુકાના બુટાવદર ગામમાં રહેતાં ખેતી કરતા કિરીટસિંહ મનુભા ઝાલા (ઉ.વ.55) નામના ખેડૂત પ્રૌઢ મંગળવારે સાંજના સાડા ચાર વાગ્યાના અરસામાં તેના ઘરની અગાસી ઉપર હતાં અને વરસાદ ચાલુ હતો તે દરમિયાન અચાનક આકાશમાંથી વીજળી ત્રાટકીને ખેડૂત પ્રૌઢ ઉપર પડતા પ્રૌઢ બેશુધ્ધ થઈ જતાં સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની મૃતકના પુત્ર દિગપાલસિંહ ઝાલા દ્વારા જાણ કરાતા હેકો એ.એમ. પરમાર તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

ત્રીજો બનાવ, જામનગર તાલુકાના દોઢીયા ગામમાં મંગળવારે વરસાદી માહોલ વચ્ચે આકાશી વીજળી પડતા નીમિષાબેન નામની યુવતીને બેશુદ્ધ હાલતમાં જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેણીનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. તેમજ અન્ય એક યુવાન ઉપર વીજળી પડતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આમ એક જ દિવસમાં જામનગર જિલ્લામાં એક સાથે ત્રણ-ત્રણ વ્યક્તિઓના આકાશી વીજળી પડવાથી મોત નિપજ્યાની ઘટના બની છે.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular