જામનગર શહેરમાં નાનકપુરી વિસ્તારમાં રામનાથ કોલોનીમાં રહેતાં અને અભ્યાસ કરતાં યુવકનું 60 હજારની કિંમતનું બુલેટ અજાણ્યા તસ્કરો ચોરી કરી ગયા હતાં. દિગ્વીજય પ્લોટમાંથી 80 હજારની બાઈક અને ગોકુલધામ વિસ્તારમાંથી 40 હજારની કિંમતનું બાઇક ચોરાયાના બનાવમાં પોલીસે તપાસ હાથ ધરી હતી.
ચોરીના બનાવની વિગત મુજબ, પ્રથમ બનાવ જામનગર શહેરના નાનકપુરીમાં આવેલા રામનાથ કોલોનીમાં રહેતો અને અભ્યા કરતા પારસ દિલીપભાઈ ફલીયા નામના યુવકે ગત તા.16ના રોજ રાત્રિના સમયે મારૂ કંસારા હોલ પાછળના વિસ્તારમાં રૂા.60 હજારની કિંમતનું જીજે-03-જેએફ-5925 નંબરનું બુલેટ પાર્ક કર્યુ હતું. જ્યાંથી રાત્રીના સમય દરમિયાન અજાણ્યા તસ્કરો બુલેટ ચોરી કરી ગયા હતાં. આ અંગેની પારસભાઈ દ્વારા નોંધાયેલી ફરિયાદના આધારે હેકો પી.ટી. જાડેજા તથા સ્ટાફે તપાસ હાથ ધરી હતી.
બીજો બનાવ, જામનગર શહેરના દિગ્વીજય પ્લોટ 53 મા વાછરાડાડાના મંદિરની બાજુમાં રહેતાં રાજેશભાઈ મંગે નામના ડ્રાઈવિંગ કરતા યુવાને તેનું રૂા.80 હજારની કિંમતનું જીજે-10-ડીએમ-9694 નંબરનું સૂઝુકી કંપનીનું બાઈક તા.16 ના રોજ રાત્રીના સમયે ગોકુલદર્શન શેરી નં.3, મોદી સ્કૂલ સામે પાર્ક કર્યુ હતું. ત્યાંથી અજાણ્યા તસ્કરો બાઈક ચોરી કરી ગયા હતાં.
ત્રીજો બનાવ, જામનગરના રણજીતસાગર રોડ પર આવેલા ગોકુલધામ ટેર્નામેન્ટમાં રહેતાં સંગીતાદેવી વર્મા નામની યુવતીનું રૂા.40 હજારની કિંમતનું જીજે-10-ડીકે-5378 નંબરનું હિરો કંપનીનું બાઈક તેના પતિ રામજાગીર વપરાશ કરતા હતાં તે દરમિયાન તા.15 ના રાત્રીના સમયે તેના ઘર પાસેથી અજાણ્યા તસ્કરો બાઈક ચોરી કરી લઇ ગયા હતાં. આ અંગેની સંગીતાબેન દ્વારા જાણ કરાતા હેકો પી.ટી. જાડેજા તથા સ્ટાફે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.