કલ્યાણપુર તાલુકાના વીરપર વિસ્તારમાંથી ગત મે માસમાં જિલ્લા એલસીબી પોલીસ દ્વારા બોક્સાઈટ ભરેલા ત્રણ ટ્રક ઝડપી પાડવામાં આવ્યા હતા. આ અંગેની ઊંડાણપૂર્વક તપાસમાં સુવ્યવસ્થિત રીતે સાચવવામાં આવેલું બોકસાઈટ ચોરીનું કૌભાંડ પ્રકાશમાં આવ્યું હતું. જે સંદર્ભે પોલીસે રૂપિયા દસ લાખની કિંમતના 59 69 ટન બોક્સાઈટ ના જથ્થા સાથે કુલ ત્રણ શખ્સોની અટકાયત કરી, આરોપીઓને અદાલતમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરતા નામદાર અદાલતે આરોપીઓના ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
બોકસાઈટ ખનીજનો વિપુલ જથ્થો સંગ્રહિત છે તે વિસ્તાર કલ્યાણપુર તાલુકામાંથી એલસીબી પોલીસે ચેકિંગ દરમિયાન 69 ટન બોક્સાઈટ ભરેલા 3 ટ્રક ઝડપી લઇ, તેની ઊંડાણપૂર્વકની તપાસમાં અન્ય લીઝમાંથી રોયલ્ટીનો ઉપયોગ કરી અને બીજી જગ્યાએથી બોકસાઈટ મેળવી અને તેનું વહન કરવામાં આવતું હોવાની વિગતો પ્રકાશમાં આવતા એલસીબી પોલીસ તેમજ ખાણ ખનીજ વિભાગના ઓપરેશનમાં બે વાહન ચાલક સહિત કુલ સંચાલક સહિત કુલ પાંચ શખ્સો સામે સરકારને નુકસાની પહોંચાડવા તેમજ સુનિયોજિત કાવતરૂ રચવા સંદર્ભેની જુદી જુદી કલમ મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો.
આ પ્રકરણમાં એલસીબી પોલીસે બે દિવસ પૂર્વે ખનીજનું ખનન, ચોરી કરીને વહન કરાવનાર વિરપર ગામના જગા પીઠા કાંબરીયા અને ભાવેશ પીઠા કાંબરીયા ઉપરાંત પોરબંદરના રોયલ્ટી આપનાર નિશાંત નિર્મળકુમાર થાનકી નામના કુલ ત્રણ શખ્સોને ઝડપી લઇ, આ તમામ આરોપીઓને ખંભાળિયાના પ્રિન્સિપલ ડીસ્ટ્રિક્ટ સેશન્સ જજ સમક્ષ રજુ કરવામાં આવ્યા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં જે લીઝ બંધ છે અને જ્યાં ખોદાણ નથી થયું તેની રોયલ્ટી દર્શાવી અન્ય સ્થળેથી 236 મેટ્રિક ટન જેટલો બોકસાઈટનો જથ્થો કાઢવામાં આવ્યો છે, જે પૈકી પોલીસને માત્ર 69 ટન બોકસાઈટ હાથ લાગ્યો છે, જ્યારે આશરે 160 ટન જેટલો જથ્થો ક્યાં ગયો? આ ખનીજ ચોરી માટે વપરામાં વપરાવવામાં આવેલા હીટાચી, જેસીબી જેવા મશીનો કોના હતા? કોણે ખોદકામ કર્યું? કોના કહેવાથી ખોદકામ થયું? કોણે વહન કર્યું? રોયલ્ટી પાસ કેટલા ઇસ્યુ થયા? સહિતના વિવિધ મુદ્દે અહીંના સરકારી વકીલ એલ.આર. ચાવડા તથા તેમની સાથે તપાસની અધિકારી પી.આઈ. કે.કે. ગોહિલ દ્વારા અદાલત સમક્ષ ધારદાર દલીલો રજૂ કરી, પાંચ દિવસના રિમાન્ડની માંગણી કરતા નામદાર અદાલતે આરોપીઓના તારીખ 12 મી સુધીના ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે સંભવિત રીતે ઓર્ગેનાઇઝડ ક્રાઇમ જેવા આ પ્રકરણમાં ઝડપાયેલા ભાવેશ અને જગદીશ નામના બે આરોપીઓ અગાઉ પણ ચોરી પ્રકરણમાં પકડાયા હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે પોલીસ દ્વારા સીડીઆર મેળવી અને આ પ્રકરણમાં સંડોવાયેલા મનાતા અન્ય શખ્સોને પણ ઝડપી લેવા માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
આ ઉપરાંત તપાસનીસ એલસીબી પી.આઈ. કે.કે. ગોહિલ તથા સ્ટાફ દ્વારા જુદી જુદી ટુકડીઓ બનાવી, આ કૌભાંડમાં મોટી રકમના નાણાકીય વ્યવહારો તેમજ બેંક ડીટેઈલ વિગેરે વિવિધ દિશાઓમાં તપાસ હાથ ધરવામાં આવી છે.