કાલાવડ તાલુકાના નિકાવા ગામના વિસ્તારમાં ભરડિયાનું બાકી રહેતું વીજબીલ નહી ભરતા પીજીવીસીએલ દ્વારા વીજ કનેકશન કાપી નાખવાનો ખાર રાખી પીજીવીસીએલના કર્મચારીને ફોન ઉપર અપશબ્દ બોલી મારી નાખવાની ધમકી આપી ફરજમાં રૂકાવટ કર્યાની નોંધાયેલી ફરિયાદના આધારે પોલીસે તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ કાલાવડ તાલુકાના નિકાવા ગામમાં આવેલા ગીરિરાજ કન્સ્ટ્રકશન કંપનીના ભરડિયાનું બાકી રહેતું લાઇટ બીલ ન ભરતા પીજીવીસીએલના કર્મચારી પ્રભાતસિંહ પાવરા તથા વિજય કોચરા દ્વારા ભરડિયાનું વીજબીલ કાપી નાખવામાં આવ્યું હતું. વીજ કનેકશન કાપ્યાનો ખાર રાખી ગીરધન ઉર્ફે મનસુખ વીરજી જેસડિયાએ પીજીવીસીએલના કર્મચારી ગૌરાંગભાઇને મોબાઇલ ફોન ઉપર અપશબ્દ બોલી અને તમારા કર્મચારીઓ ઓફિસની બહાર નીકળશે તો મારી નાખવાની ધમકી આપી ફરજમાં રૂકાવટ કરી હતી. આ ધમકી મળ્યા બાદ ગૌરાંગભાઇ જાણ કરાતા હે.કો. આર.વી.ગોહિલ તથા સ્ટાફે ગીરધન જેસડિયા વિરૂધ્ધ ફરજમાં રૂકાવટ અને ધમકી આપ્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.