ખંભાળિયાના શક્તિનગર વિસ્તારમાં રહેતા અને ખેત વ્યવસાય સાથે સંકળાયેલા લાલજીભાઈ રૂડાભાઈ પરમાર નામના 68 વર્ષીય સતવારા વૃદ્ધની જમીનમાં પગ ન મૂકવાનું કહી, આ જ વિસ્તારમાં રહેતા વેરશી દેવુ રૂડાચ નામના શખ્સે ફરિયાદી લાલજીભાઈના પુત્ર કાંતિભાઈના મોબાઈલમાં ફોન કરી, જાનથી મારી નાખવાની તથા ટાંટિયા ભાંગી નાખવાની ધમકી આપવા સબબ લાલજીભાઈ પરમાર દ્વારા વેરશી રૂડાચ સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.
આજથી આશરે બે વર્ષ પૂર્વે ફરિયાદી લાલજીભાઈની જમીન બાજુમાં જમીન ધરાવતા વેરશીભાઈ રૂડાચને ખરીદ કરવી હોય, બાદમાં વેચાણ દસ્તાવેજ અંગેની અધૂરી રહી ગયેલી પ્રક્રિયા વચ્ચે વેરશીભાઈનો કબ્જો ધરાવતી આ જમીન અંગે અગાઉ અહીંના કલેક્ટર સમક્ષ લેન્ડ ગ્રેબિંગની અરજી પણ દાખલ કરવામાં આવી હતી. તે દરમિયાન ઉપરોક્ત બનાવ બન્યો હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે.
આ સમગ્ર બનાવ અંગે ખંભાળિયા પોલીસે આઈ.પી.સી. કલમ 504 તથા 506 (2) મુજબ ગુનો નોંધી, આગળની કાર્યવાહી હેડ કોન્સ્ટેબલ જે.એમ. ડોડીયા દ્વારા હાથ ધરવામાં આવી છે.