જામનગર-રાજકોટ હાઇવે પર ગાડીનો સાઇડ ગ્લાસ તોડી નાખવા મામલે યુવાનને માર મારી ટાંટિયા ભાંગી નાખવાની ધમકી આપ્યાની જામનગરના બે સહિત કુલ સાત શખ્સો વિરૂઘ્ધ પોલીસ ચોપડે ફરિયાદ નોંધાઇ છે.
આ અંગેની વિગત મુજબ જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના ખાખરા ગામે રહેતાં ભૂપેન્દ્રસિંહ કનકસિંહ જાડેજા પોતાના કબ્જાની જીજે04 સીજે 6985 નંબરની મોટરકાર લઇને રાજકોટ-જામનગર હાઇવે પરથી પસાર થઇ રહ્યાં હતા. ત્યારે જીજે10 ઇસી 5554 નંબરના બલેનો ગાડીના ચાલકએ ઓવરટેક કરવા જતાં ફરિયાદીની ગાડીના સાઇડ ગ્લાસને અડકી જતાં કાચ તૂટી ગયો હતો. આ બાબતે ફરિયાદી સમજાવવા જતાં સેફુ, શરીફ તથા અલફૈઝ નામના ત્રણ શખ્સોએ ફરિયાદી સાથે બોલાચાલી કરી હતી અને તારાથી જે થાય તે કરી લેજે. તેમ કહી જતાં રહ્યાં હતાં.
ત્યારબાદ ફરિયાદી પારસ પેટ્રોલ પંપ પાસે ઉભા હોય, ત્રણેય શખ્સોએ બોલાચાલીનો ખાર રાખી ફરિયાદીને અપશબ્દો બોલ્યા હતા. ત્યારબાદ બે શખ્સો થાર ગાડીમાં આવી ફરિયાદીને કહ્યું હતું કે, તારાથી થાય તે કરી લેજે. તારે કાંઇ વાવડો હોય અમે કાઢી નાખીશું તેમ કહી ફરિયાદી સાથે બોલાચાલી કરી અપશબ્દો કહ્યાં હતા. આ દરમ્યાન વધુ બે શખ્સો મોટર સાયકલમાં આવી તારે માર ખાધા વગર ઘરે જવું નથી લાગતું તેમ કહી અપશબ્દો બોલી બોલાચાલી કરી હતી અને ઉશ્કેરાયેલા શખ્સએ ફરિયાદીને ઝાપટ મારી ઢીકાપાટુનો માર માર્યો હતો અને આરોપીઓ જતાં જતાં ફરિયાદીને કહ્યું હતું કે, ફરી વખત સામે આવીશ તો તને જીવવા જેવો રહેવા દેશું નહીં. અને તારા ટાંટિયા ભાંગી નાખીશ એમ કહી ધમકી આપી હતી.
આ અંગે ભૂપેન્દ્રસિંહ દ્વારા સેફુ, શરીફ, અલફૈઝ, અરબાઝ, તૌફિક, સાહિલ તથા જાહિદ સહિત સાત શખ્સો વિરૂઘ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


