ભાણવડ પંથકમાં રહેતાં ડફેર યુવાનને બે શખ્સોએ ફોન કરી કપૂરડી નજીક ડેમ પાસે બોલાવી અપશબ્દો બોલી પતાવી દેવાની ધમકી આપી હતી. આ બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, ભાણવડ તાલુકામાં રહેતા રામદેભાઈ જેઠાભાઈ પરમાર નામના 19 વર્ષના ડફેર યુવાનને રાણપર ગામના સીદીયા ભીમા તથા ટીંબડી ગામના રામકા રાયદે સોલંકી નામના બે શખ્સોએ ફોન કરીને કપુરડી ગામના પાટીયા પાસેના ચેકડેમ નજીક બોલાવ્યો હતો. જ્યાં આરોપી શખ્સોએ ફરિયાદી રામદે જેઠાભાઈને બિભત્સ ગાળો કાઢી છરી બતાવીને જાનથી મારી નાખવાની ધમકી આપતા ભાણવડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
ફરિયાદી રામદેભાઈના પત્નીનો ફોટો આરોપી રામકા સોલંકીએ પોતાના મોબાઈલમાં રાખ્યો હતો. જેથી ફરિયાદી રામદેભાઈએ આરોપી રામકાની પત્નીનો ફોટો પોતાના મોબાઈલમાં રાખ્યો હતો. આ બાબતે થયેલા મનદુ:ખમાં ઉપરોક્ત બનાવ બન્યો હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે. આ સમગ્ર બનાવ અંગે પોલીસે આઈ.પી.સી. કલમ 323, 504, 506 (2), 114 તથા જી.પી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધ્યો છે.


