મધ્યપ્રદેશના જબલપુરમાંથી જ રેમડેસિવિરના નકલી ઈન્જેક્શન વેચવાનું મોટું કૌભાંડ સામે આવ્યું છે જેમાં વીએચપીનો પ્રમુખ જ સંડોવાયેલો છે. ગુજરાતમાં નકલી રેમડેસિવિર મુદ્દે પોલીસે જે રેડ પાડી હતી તેના અનુસંધાનમાં મધ્ય પ્રદેશ પોલીસ દ્વારા જબલપુરની સિટી હોસ્પિટલના સંચાલક અને વીએચપીના નર્મદા જિલ્લાના પ્રમુખ સરબજિત મોખા સહિત ચાર લોકોને નકલી રેમડેસિવિર વેચવા મુદ્દે ધરપકડ કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું કે, સરબજીતે એક લાખથી વધારે નકલી રેમડેસિવિર ઈન્જેક્શન મજબૂર દર્દીઓના સગાને મોટી કિંમતે વેચી દીધા હતા. 35થી 40 હજારમાં એક ઈન્જેક્શન આપવામાં આવ્યું હતું.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગુજરાત પોલીસે નકલી રેમડેસિવિર કેસમાં સપન જૈન અને દેવેન્દર ચૌરસિયાની ધરપકડ કરી હતી. તેમની આકરી પૂછપરછમાં સપન જૈને તાજેતરમાં 500 નકલી ઈન્જેક્શન સરબજિત મોખાને આપ્યા હોવાની કબૂલાત કરી હતી. તેના આધારે પોલીસે સરબજિતને પકડયો હતો. આ કેસમાં કુલ ચારની ધરપકડ કરાઈ છે. તપાસમાં એવું પણ બહાર આવ્યું છે કે, ગ્લુકોઝ અને મીઠાને પાણીમાં ભેગા કરીને ઈન્જેક્શન બનાવવામાં આવતા હતા. આ તમામ ઈન્જેક્શનની એક જ બેચ હોવાથી સમગ્ર કૌભાંડ ગુજરાત પોલીસની સામે આવ્યું હતું. આ દિશામાં તપાસ કરવા દરમિયાન ગુજરાત પોલીસે મોરબીમાં પણ દરોડા પાડીને મધ્ય પ્રદેશ અને અન્ય રાજ્યોમાં નકલી ઈન્જેક્શન વેચનારાઓને ઝડપી પાડવામાં આવ્યા છે. સુરતથી 1000 નકલી ઈન્જેક્શન ખરીદીને તેમણે મધ્ય પ્રદેશમાં વેચી દીધા હતા.
રતલામમાં માહેશ્વરી મેડિકલ સ્ટોરનો માલિક અને ભાજપનો નેતા રાજેશ માહેશ્વરી ઓક્સી ફ્લોમીટરના કાળાબજાર કરતા ઝડપાયો હતો. તે 600 રૂપિયાના કિંમતના ફ્લોમીટરના 4,000 વસૂલતો હતો. પોલીસે તેને ઝડપી પાડયો હતો પણ સોમવારે તેને જામીન પણ મળી ગયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે,જામનગરના ધર્મેશ નામના તબિબી છાત્રએ સુરતના ડો.કિર્તી દવેને ચાર ઇંજેકશન બ્લેકમાં વેંચ્યા હતા. ધર્મેશની ધરપકડ થઇ ગઇ છે.