જામગનગર મહાનગરપાલિકા વાતો કરવાની, મોટી વાતો કરવાની અને આ મોટીવાતો વારંવાર કરવાની આવડત ધરાવે છે. વાતોમાં શબ્દોના સાથીયા પૂરતી મહાનગરપાલિકાના કામોમાં ઢંગ કેવા પ્રકારના હોય છે ? તે સૌ જાણે છેે. પ્રધાનમંત્રી દેશને વિકાસમાં અગ્રેસર બનાવવા સૌને દોડાવી રહ્યા છે અને પ્રેરણાઓ પૂરી પાડી રહ્યા છે. કમનસીબી એ છે કે, જામનગર સહિત દેશભરમાં સ્થાનિકતંત્રો અને તંત્રોના કર્તાહર્તાઓ બાવાઆદમની પધ્ધતિઓથી કામો કરી રહ્યા છે. કાં તો તેઓને એ ખબર નથી કે, કામો કેવી રીતે કરવા જોઇએ? અથવા તો, તેઓ લગભગ કામોમાં કશુંક છૂપાવવા ઇચ્છે છે ! અપડેટ થવાની તમન્નાઓ અધિકારીઓના દિમાગમાં જ્યાં સુધી ઘૂમરાય નહીં ત્યાં સુધી, અધિકારીઓના તાબાના ક્ષેત્રોમાં આધુનિકતા અને ઉડીને આંખે વળગે તેવા વિકાસની કોઇ શકયતાઓ નથી ! કમનસીબે આ બધી બાબતો, આપણી જામનગર મહાનગરપાલિકાને દાયકાઓથી લાગુ પડે છે.
આજથી 15-17 વર્ષ પહેલાં, જામનગર મહાનગરપાલિકાના સર્વેસર્વા અને અત્યારસુધીના કોઇપણ કમિશનર કરતાં જામનગર વિશે વધુ જાણકારી ધરાવતાં એક અધિકારીનું એ મુદ્દે ધ્યાન દોરવામાં આવ્યું હતું કે, કોઇપણ મુખ્ય માર્ગ પર કે, કોઇ મહત્વના વિસ્તારમાં મહાનગરપાલિકા હસ્તક કોઇ પણ પ્રકારની ખોદકામ જેવી કામગીરી કરવામાં આવે ત્યારે, આ પ્રકારની એજન્સી (કોન્ટ્રાકટર)ને જામનગર મહાનગરપાલિકાએ તે માર્ગ અથવા વિસ્તારનો સંપૂર્ણ વિગતો સાથેનો નકશો આપવો જોઇએે. આ નકશામાં તે માર્ગ અથવા વિસ્તારમાં ભુગર્ભમાં અગાઉ પાથરવામાં આવેલી વિજલાઇન, ખાનગી કંપનીઓના અથવા સરકારી ટેલિફોન સહિતના કેબલ તેમજ મહાનગરપાલિકાની પાણીની પાઇપલાઇનની સંપૂર્ણ વિગતો અને આકૃતિઓ હોવી જરૂરી છે. કેમ કે, તો જ ખોદકામ વખતે કોઇપણ પ્રકારના અકસ્માત કે નુકસાનને અથવા સંભવિત જાનહાનિને રોકી શકાય. અને, કોઇપણ વિસ્તારમાં કે પ્રોજેકટમાં આ પ્રકારની કામગીરી થઇ રહી હોય ત્યારે જામનગર મહાનગરપાલિકાએ નિયમ મુજબ સુપરવાઇઝર તરીકે પોતાના ઇજનેરને હાજર રાખવા ફરજીયાત છે અને સિનિયર ઇજનેરોએ આ પ્રકારની કામગીરીના તમામ અપડેશન પર નજર રાખવી પણ ફરજીયાત છે. આમ છતાં જામનગર મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવતાં આ પ્રકારના કામો વખતે અવારનવાર અકસ્માતો અને નુકસાનના બનાવો બનતા રહે છે, જે જામનગર મહાનગરપાલિકાની અણઆવડતના પૂરાવા તરીકે રેકર્ડ પર નોંધાતા રહે છે.
જામનગરમાં સાત રસ્તા સર્કલથી માંડીને સુભાષબ્રિજ સુધી સૌરાષ્ટ્રનો સૌથી મોટો ફલાઇ ઓવર કરોડો રૂપિયાના ખર્ચે બની રહ્યો છે. ગઇકાલે બુધવારે આ કામ કરી રહેલી એજન્સીના કામદારો જરૂરી કારણસર માર્ગપર ડ્રિલિંગ કરી રહ્યા હતાં ત્યારે, માર્ગ નીચેની મોટી અને જોખમી વિજલાઇનને ટચ થઇ જતાં, ત્રણ કામદારો દાઝી ગયા ! ધારોકે, આ અકસ્માત મોટી દુર્ઘટના બની હોત, એક અથવા એક કરતાં વધુ કામદારો સહિતના સંબંધિત લોકોના જીવ ગયા હોત ! તો, આ બેદરકારીની જવાબદારી કોના શિરે? એ પ્રશ્ર્નનો જવાબ કોર્પોરેશનના કર્તાહર્તાઓએ આજે અને અત્યારે જાહેર કરવો જોઇએ. માનવજીંદગીની સુરક્ષા સૌથી મોટી બાબત છે અને કોઇપણ પ્રોજેકટ અથવા કામ કરતાં વધુ કિંમતી મુદ્ો છે.પાછલાં 15-17 વર્ષમાં મહાનગરપાલિકાનું અનેક વખત ધ્યાન દોરવામાં આવ્યા પછી પણ, મહાનગરપાલિકા સુધરતી નથી ! મહાનગરપાલિકાને શરમ શા માટે નથી આવતી ? મહાનગરપાલિકા બેશરમ છે ?!
અણઘડ જામનગર મહાનગરપાલિકા આવી રીતે જ ચાલશે ?!: નગરજનોને સતાવતો પ્રશ્ન
કામ કરનારાઓના જીવનની જવાબદારી કોની ?