જામનગર શહેર અને જિલ્લામાં શિયાળાની ઠંડીનો સૌથી વધુ ગેરલાભ તસ્કરો ઉઠાવી રહ્યા છે. ઠંડીમાં તસ્કરો ગ્રામ્ય વિસ્તારોમાં એક પછી એક મકાનો અને દુકાનોને ટાર્ગેટ બનાવી રહ્યા છે ત્યારે પોલીસ પેટ્રોલિંગ ઉપર અનેક તર્ક-વિર્તકો થઈ રહ્યા છે. ત્યારે બે દિવસ પહેલાં ધ્રોલમાં એક સાથે ત્રણ સ્થળોએ ચોરી બાદ જામજોધપુર પંથકને નિશાન બનાવી સમાણા ગામની મુખ્ય બજારમાં આવેલ જ્વેલર્સના શો-રૂમમાંથી 3.38 લાખની માલમતાની તથા મોટી ગોપના પાટીયા પાસે આવેલી મોબાઇલની દુકાનમાંથી રૂા.80 હજારના મોબાઇલની ચોરીના બનાવે પોલીસને દોડતી કરી દીધી છે.
શિયાળામાં જેમ જેમ ઠંડી અને ઠાર વધતો જાય છે તેમ તેમ જિલ્લામાં તસ્કરોનો રંજાડ ઠંડીની સાથે સાથે વધી રહ્યો છે. ઠંડીનો ગેરલાભ ઉઠાવી તસ્કરો ગ્રામ્ય વિસ્તારોને નિશાન બનાવી રહ્યા છે. બે દિવસ પહેલાં જ ધ્રોલમાં એક સાથે ત્રણ મકાનોના તાળા તોડી ચોરીની ઘટનામાં તસ્કરોનું પગેરૂ મળ્યું નથી ત્યાં જ જામજોધપુર પંથકમાં સમાણા અને મોટી ગોપમાં એક સાથે બે સ્થળોએ લાખોની ચોરી થતા પોલીસ પેટ્રોલિંગ ઉપર અનેક પ્રશ્ર્નો ઉઠી રહ્યા છે. તસ્કરો બેખોફ બની એક પછી એક ગામોને નિશાન બનાવી ચોરીને અંજામ આપી રહ્યા છે. ત્યારે પોલીસ દ્વારા શહેર અને જિલ્લામાં સતત પેટ્રોલિંગના તથ્યને કેટલું સાચું ગણવું ? કેમ કે પોલીસના ભય વગર તસ્કરો લાખોની ચોરી આરામથી કરીને જતાં રહે છે. જામજોધપુર પંથકમાં મંગળવારે રાત્રિના સમય દરમિયાન સમાણામાં રહેતા અતુલભાઈ સુભાષભાઈ ભીંડી નામના વેપારીનો મુખ્ય બજારમાં અતુલ જ્વેલર્સ નામનો શો-રૂમ આવેલો છે. આ શો-રૂમને અજાણ્યા તસ્કરોએ નિશાન બનાવ્યો હતો.
તસ્કરોએ શો-રૂમની બારી અને લોખંડની ગ્રીલ તોડી દુકાનમાં પ્રવેશ કરી જુદાં-જુદાં ખાનામાંથી રૂા.70 હજારની કિંમતની 35 જોડી ચાંદીની બંગડીઓ, રૂા.10500 ની કિંમતની 15 નંગ ચાંદીની કડલીઓ, રૂા.8300 ની કિંમતની 230 ગ્રામની આઠ નંગ ચાંદીની લકકી, રૂા.6000 ની કિંમતની 72 ગ્રામ વજનની ચાંદીની પોચીની છ જોડી તથા રૂા.3600 ની કિંમતના 6 જોડી ચાંદીના નજરીયા, રૂા.6000 ની કિંમતનું 100 ગ્રામ વજનનું ચાંદીની ઘુઘરીયું અને રૂા.8000 ની કિંમતની અઢી ગ્રામ સોનાની બુટી એક નંગ, રૂા.20 હજારની કિંમતની ચાર ગ્રામ વજનની સોનાની ત્રણ બુટી, સાત હજારની કિંમતની 1.75 ગ્રામની સોનાની વીટી-1, 40 હજારની કિંમતની 10 ગ્રામ સોનાનો ભંગાર ઉપરાંત રૂા.1,04,000 ની કિંમતના 22.8 ગ્રામ વજનના સોનાના 132 નંગ દાણા ઉપરાંત રૂા.10 હજારની કિંમતની સોનાની ચીપવાળા 22 ગ્રામ વજનના એક જોડી પાટલા અને 45 હજારની કિંમતની રોકડ મળી કુલ રૂા.1,04,000 ના 1602 ગ્રામના ચાંદીના દાગીના, રૂા.1,89,000 ની કિંમતના 41.05 ગ્રામ વજનના સોનાના દાગીના અને રોકડ રકમ મળી કુલ રૂા.3,38,400 ની માલમતા ચોરી કરી ગયા હતાં. ચોરીની જાણ થતા પીએસઆઈ વાય.આર. જોશી તથા સ્ટાફ દ્વારા ગુનાશોધક શ્ર્વાન અને એફએસએલની મદદ વડે ચોરીનો ભેદ ઉકેલવા તપાસ આરંભી હતી.
તેમજ મોટીગોપ ગામના પાટીયા પાસે આવેલી કિશનભાઈ નંદાણિયા નામના યુવાનની મોબાઇલની દુકાનનું તસ્કરોએ તાળુ તોડી સટર ઉંચકાવી દુકાનમાંથી રૂા.80,060 ની કિંમતના જુદી જુદી કંપનીના 11 નંગ નવા મોબાઇલ ફોન ચોરી કરી ગયા હતાં. આ ચોરીના બનાવની જાણ કરાતા પીઆઈ એમ.એન.ચૌહાણ તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ ચોરીનો ગુનો નોંધી તસ્કરોનું પગેરૂ મેળવવા તપાસના ચક્રો ગતિમાન કર્યા હતાં.