જામનગર શહેર અને જિલ્લામાં વિધાનસભા ચૂંટણી પૂર્ણ થયા પછી ફરીથી ચોરીના બનાવો વધી રહયા છે. જોડિયા ગામમાં બાદનપર રોડ પર રહેતાં વૃધ્ધાના મકાનના તાળા તોડી તેમાં રહેલી તિજોરીમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડ સહિત રૂા.1,98,800 ની માલમતાની ચોરી કરી ગયાના બનાવમાં પોલીસે તસ્કરોનું પગેરું મેળવવા તપાસ આરંભી હતી.
ચોરીના બનાવની વિગત મુજબ, જોડિયા ગામમાં બાદનપર રોડ પર શ્રેયસ સ્કૂલની બાજુમાં રહેતાં વિજયાબેન પ્રેમજીભાઈ ભેંસદડિયા નામના પટેલ વૃધ્ધાના તા.18-12-22 ના સાંજના 6:30 થી તા.19-12-22 ના સવારે 9:00 વાગ્યા સુધીના સમય દરમિયાન અજાણ્યા તસ્કરોએ મકાનને નિશાન બનાવી મુખ્ય દરવાજાના તાળા તોડી રુમમાં રહેલા લાકડાના કબાટની તિજોરી તોડી તેમાંથી સોનાની વીટી, સોનાનો ચેઈન, સોનાનું પેન્ડલ, સોનાની બુટી સહિતનો 64 ગ્રામ વજનના રૂા.1,92,000 ની કિંમતના સોનાના દાગીના અને રૂા.1800 ની કિંમતનો ચાંદીનો ચેઈન અને પેંડલ તથા રૂા.5000 ની રોકડ રકમ મળી તિજોરી સાથે કુલ રૂા.1,98,800 ની માલમતા ચોરી કરી ગયા હતાં. બીજા દિવસે વૃધ્ધા તેમના ઘરે પરત ફરતા મકાનમાં ચોરી થયાની જાણ કરતા પીએસઆઇ આર.ડી. ગોહિલ તથા સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને સ્થળ પરથી તપાસ હાથ ધરી તસ્કરોનું પગેરુ મેળવવા ગુનાશોધક શ્વાન અને એફએસએલની મદદ લેવામાં આવી હતી.
પોલીસે એક રાત બંધ રહેલા મકાનમાંથી બે લાખની માલમતાની ચોરીના બનાવમાં ઘટનાસ્થળની આજુબાજુના વિસ્તારમાં પૂછપરછ હાથ ધરી હતી અને સીસીટીવી ફુટેજો અંગે તપાસ હાથ ધરી હતી.