જામનગર શહેરના ગુલાબનગર વિસ્તારમાં આવેલા ક્રિષ્ના પાર્કના કોમન પ્લોટમાં ફોટા પાડતા યુવકે અન્ય યુવાનને મારા ફોટા પડે પછી તમારા પાડી આપીશ તેમ કહેતા શખ્સે ઉશ્કેરાઈને લાકડાના ધોકા વડે કારમાં તોડફોડ કરી કાચ તોડી નાખ્યો હતો.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરના ગુલાબનગરમાં રવિ પાર્ક વિસ્તારમાં રહેતો અને વેલ્ડીંગ કામ કરતો ફહીમ ઈરફાન મુરીમા (ઉ.વ.19) નામનો યુવક શનિવારે સાંજના સમયે ક્રિષ્ના પાર્કના કોમન પ્લોટમાં તેના કાકા સાદીકભાઈ અને તેના મિત્રો સાથે જીજે-03-કેએચ-2198 નંબરની સ્વીફટ કાર લઇ ફોટા પાડતા હતાં. તે દરમિયાન ઈબ્રાહિમ અકબર વાઘેર ઉર્ફે જોન વાઘેર નામના શખ્સે આવીને ફહીમને તેના ફોટા પાડવાનું કહેતાં ફહીમે મારા ફોટા પાડી લઉ પછી પાડી આપીશ તેમ કહેતા ઉશ્કેરાયેલા ઈબ્રાહિમ વાઘેર ત્યાં પડેલા લાકડાના ધોકા વડે યુવકના કાકાની સ્વીફટ કારના કાચમાં ઘા મારી કાચ તોડી નાખી નુકસાન પહોંચાડયું હતું. બનાવમાં ફહીમે પોલીસમાં જાણ કરતા ઈબ્રાહિમ વાઘેર નામના શખ્સ વિરૂધ્ધ ગુનો નોંધી શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.