ગુજરાત અને હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી પહેલા મોદી સરકારની બીજી મંત્રી પરિષદનું વિસ્તરણ થઈ શકે છે. આ વર્ષના અંતમાં બંને રાજયોમાં વિધાનસભાની ચૂંટણી થવાની સંભાવના છે. આવી સ્થિતિમાં, બહુપ્રતિક્ષિત વિસ્તરણ આ પહેલા થઈ શકે છે. પાર્ટીના સૂત્રોનું કહેવું છે કે કેન્દ્ર સરકારના મંત્રાલયોમાં વધુ સારા કામ અને 2024ની લોકસભા ચૂંટણીની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આને છેલ્લું વિસ્તરણ માનવામાં આવી શકે છે. પરફોર્મન્સ પર ન ઉતરતા કેટલાક મંત્રીઓની રજા, કેટલાકના મંત્રાલય બદલી શકાય છે.
કેન્દ્ર સરકારની મહત્વકાંક્ષી યોજનાઓ અને તમામ યોજનાઓના આધારે મંત્રાલયોના પરફોર્મન્સ રિપોર્ટ તૈયાર કરવામાં આવી રહ્યા છે. સૂત્રોનું કહેવું છે કે આ કામ પીએમઓની દેખરેખમાં થઈ રહ્યું છે. પરફોર્મન્સ રિપોર્ટના આધારે મંત્રીઓને હટાવવા કે મંત્રાલય બદલવાનો નિર્ણય લેવામાં આવશે. જુલાઈ 2021માં મોદી સરકારના મંત્રી પરિષદમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો હતો.
આગામી વિધાનસભા ચૂંટણીની છાપ મોદી સરકારના મંત્રી પરિષદના વિસ્તરણમાં જોવા મળી શકે છે. આ વર્ષે હિમાચલ અને ગુજરાતમાં ચૂંટણી યોજાવાની છે, જયારે આગામી વર્ષે 2023માં દેશના કુલ 9 રાજયોમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે. રાજસ્થાન, મધ્યપ્રદેશ, કર્ણાટક, તેલંગાણા, છત્તીસગઢ, મિઝોરમ, ત્રિપુરા, મેઘાલય, નાગાલેન્ડ જેવા રાજયોમાં ચૂંટણી યોજાવાની છે. આમ, દક્ષિણ, ઉત્તર-પૂર્વ અને દેશના અન્ય ભાગોના પ્રાદેશિક, સામાજિક અને જ્ઞાતિના સમીકરણોને આધારે કેટલાક ચહેરાઓને પણ તક મળી શકે છે. સૂત્રોનું કહેવું છે કે મોદી સરકારના મંત્રીમંડળના વિસ્તરણમાં શિવસેનાના શિંદે જૂથનો પણ સમાવેશ થાય તેવી શક્યતા છે. શિંદે જૂથના બે સાંસદોને મંત્રી બનાવવામાં આવી શકે છે. કેબિનેટ અને રાજયકક્ષાના મંત્રી પદ મળવાની સંભાવના છે.