Monday, December 23, 2024
Homeરાજ્યજામનગર‘અડધું ખુલ્લું, અડધું બંધ’ થી કોઇ ફાયદો નથી: વેપારીઓમાં આક્રોશ

‘અડધું ખુલ્લું, અડધું બંધ’ થી કોઇ ફાયદો નથી: વેપારીઓમાં આક્રોશ

જામનગર વેપારી મહામંડળે મુખ્યમંત્રીને કરી રજૂઆત : નાના વેપારીઓ અને દુકાનદારોની કમ્મર તૂટી રહી છે : લોકડાઉન અંગે કોઇ અસરકારક ફોર્મ્યુલા અપનાવવા માંગણી : સાવધાનીપૂર્વક હવે પછીનો નિર્ણય લેવા સમયની માંગ

- Advertisement -

રાજયમાં છેલ્લા 15 દિવસનાં અધકચરા લોકડાઉનને કારણે જામનગર શહેરના નાના અને મધ્યમ વેપારીઓ કે જેમના ધંધા-રોજગાર બંધ છે. તેઓમાં સરકારની ‘અડધું ખુલ્લું, અડધું બંધ’ની નીતિ સામે આક્રોશ વ્યાપ્યો છે. ત્યારે વેપારીઓના આ આક્રોશ અને દયનિય સ્થિતિને ધ્યાનમાં લઇ જામનગર વેપારી મહામંડળ દ્વારા રાજયના મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે. જેમાં નાના ધંધાર્થીઓને હિતને ધ્યાનમાં રાખી હવે પછીનો નિર્ણય ખૂબજ સાવધાનીપૂર્વક લેવા જણાવવામાં આવ્યું છે.

જામનગર વેપારી મહામંડળના પ્રમુખ સુરેશ તન્નાએ મુખ્યમંત્રીને પત્ર પાઠવી કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે, અધકચરા લોકડાઉનથી કોઇ ફાયદો નથી. આ પ્રકારના લોકડાઉનથી સંક્રમણને પણ અટકાવી શકાશે નહીં. ઉલટું નાના દુકાનધારકો અને વેપારીઓની હાલત બદથી બદંત્તર બની રહી છે. હતાશામાં ધકેલાઇ રહેલાં વેપારીઓમાં હવે આ પ્રકારની સ્થિતિને લઇને ભેદભાવની લાગણી સાથે આક્રોશની સ્થિતિ પણ પ્રવર્તી રહી છે. ‘અડધું ખુલ્લું, અડધું બંધ’ કોઇપણ રીતે લોજિકભર્યું કે સાયન્ટિફીક જણાતું નથી. વાસ્તવમાં કોઇપણ જાતનાં સર્વે કે અભ્યાસ વગર આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો હોય તેમ જણાઇ રહયું છે. જેની ગંભીર અસર વેપારીઓની આર્થિક સ્થિતિ પર પડી રહી છે. એવા વેપાર-ધંધાઓ પણ બંધ કરાવી દેવામાં આવ્યા છે કે જયાં સરળતાથી સોશિયલ ડિસ્ટન્સ અને અન્ય કોરોના ગાઇડલાઇનનું પાલન કરાવી શકાય છે અથવા તો કરી શકાય છે. બીજી તરફ મુખ્ય બજાર અને નાના વેપારીઓ સિવાયના તમામ એકમો ચાલુ છે. આમ નાના દુકાનદારો અને વેપારીઓને લોકડાઉનનો સૌથી વધુ માર પડી રહ્યો છે. આવા સમયે સમયની માંગ પ્રમાણે વેપારીઓ અને તેમના પરિવારોનું હિત જળવાઇ રહે તે પ્રકારનો નિર્ણય લેવો ખૂબજ જરૂરી બની ગયો છે. અન્યથા વેપારીઓનો આક્રોશ ચરમસીમાએ પહોંચી શકે તેમ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular