જામનગર શહેર અને જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ભીડભાડવાળા સ્થળોએથી આઈફોન સહિતના ચાર મોબાઇલની ચોરીની જુદી જુદી ફરિયાદોના આધારે પોલીસે તપાસ આરંભી છે. અગાઉ પણ આ પ્રકારની મોબાઇલ ચોરીની ફરિયાદો નોંધાઇ છે.
જામનગર શહેર અને જિલ્લામાં મોબાઇલ તફડાવતી ગેંગ સક્રિય થઈને શહેરના તથા ગ્રામ્ય વિસ્તારોમાં ભીડભાડવાળા સ્થળો જઈ ચપળતાથી મોબાઇલ ચોરી આચરતી હતી. ગ્રામ્ય વિસ્તારોમાં ખાસ કરીને મેળો ભરાતા સ્થળે સરળતાથી મોબાઈલ ચોરી કરતાં હતાં. એક પછી એક મોબાઇલ ચોરીની ફરિયાદો નોંધાતી જાય છે. તેમાં જામનગર શહેરના એરપોર્ટ સ્ટેશનમાં કાવેરી બિલ્ડીંગમાં રૂમ નં.4 મા રહેતાં રાહુલભાઈ સુહાગ નામના યુવાનનો રૂા.30 હજારની કિંમતનો આઈફોન 13 ફોન ગત ડિસેમ્બર મહિનામાં અજાણ્યો તસ્કર ચોરી કરી ગયો હતો. તેમજ જામનગર જિલ્લાના રણજીતપર ગામમાં રહેતાં મહેશભાઇ ગઢીયા નામનો પટેલ યુવાન તેના પુત્ર સાથે રણુજા રામદેવ પીરના મંદિરે યોજાયેલા લોક મેળામાં ગયો હતો તે દરમિયાન રૂા.16000ની કિંમતનો મોબાઇલ તસ્કરો ચોરી કરી ગયા હતાં.
તેમજ ધ્રોલ ગામમાં રાધેપાર્કમાં રહેતાં ભરતભાઇ રાઠોડ નામના યુવાન ઓગસ્ટ મહિનામાં ભૂચરમોરીના મેદાનમાં અમાસના મેળામાં તેની પુત્રી સાથે ગયા હતાં. ત્યારે તસ્કરોએ જીન્સના ખિસ્સામાં રહેલો રૂા.18990 નો મોબાઇલ ચોરી કરી ગયા હતાં તથા જામનગરમાં ડેન્ટલ હોસ્ટેલમાં રહેતી જાનવી નગવાડિયા નામની તબીબ વિદ્યાર્થિની અંબર ટોકીઝ પાસે ખરીદી કરવા ગઈ હતી ત્યારે અજાણ્યા તસ્કરે રૂા.25999 નો મોબાઇલ ચોરી કરી ગયા હતાં. આ મોબાઇલ ચોરીની પોલીસે ફરિયાદ નોંધી તપાસ આરંભી હતી.