જામનગર શહેરમાં 150 ફુટ બેડી બંદર રોડ પર આવેલા યોગેશ્ર્વર ધામ વિસ્તારમાં રહેતાં યુવાનના બંધ મકાનના તસ્કરોએ તાળા તોડી પ્રવેશ કરી કબાટમાંથી 19 ગ્રામના સોનાના અને ચાંદીના દાગીના તથા રૂા.15000 ની રોકડ રકમ મળી રૂા.1.37 લાખની માલમતાની ચોરીના બનાવમાં પોલીસે ગુનાશોધક શ્વાન અને એફએસએલની મદદ વડે ભેદ ઉકેલવા તપાસ આરંભી હતી.
ચોરીના બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં 150 ફૂટ બેડીબંદર રોડ પર આવેલા મહારાણા ચોક પાસેના યોગેશ્વરધામમાં પ્લોટ નં.313/1 માં રહેતાં પાર્થ મનસુખલાલ ચૌહાણ નામના યુવાનના બંધ રહેલા મકાનના મુખ્ય દરવાજાના સોમવારે બપોરના સમયે અજાણ્યા તસ્કરોએ તાળા તોડી મકાનમાં પ્રવેશ કરી રૂમમાં રહેલા કબાટમાંથી રૂા.1,12,704 ની કિંમતના 19.6 ગ્રામ વજનના સોનાના દાગીના તેમજ રૂા.9 હજારની કિંમતના ચાંદીના દાગીના તથા રૂા.15 હજારની રોકડ રકમ મળી કુલ રૂા.1,36,704 ની કિંમતની માલમતા ચોરી કરી ગયા હતાં. ધોળે દિવસે થયેલી ચોરીના બનાવની જાણ કરાતા પીએસઆઈ ડી.પી.ચુડાસમા તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ ગુનાશોધક શ્ર્વાન અને એફએસએલની મદદ વડે ચોરીનો ભેદ ઉકેલવાનો પ્રયાસ હાથ ધર્યો હતો.