જામનગર શહેરના નવાગામ ઘેડ આનંદ સોસાયટીમાં એક રહેણાંક મકાનમાં આજે સવારે ચોરી થયાની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને પ્રાથમિક તારણમાં લાખોના દાગીનાની ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું હતું. જેના આધારે પોલીસે ગુનાશોધક શ્ર્વાન અને એફએસએલની મદદ વડે ચોરીનો ભેદ ઉકેલવા તપાસ આરંભી હતી.
આ બનાવની વિગત મુજબ, જામનગર શહેરના નવાગામ ઘેડ વિસ્તારમાં આવેલી આનંદ સોસાયટીમાં એક રહેણાંક મકાનમાં ચોરી થયાની જાણના આધારે પીઆઈ કે.જે. ભોયે તથા સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને પોલીસ દ્વારા પ્રાથમિક તપાસ હાથ ધરતાં મકાનના રૂમોમાં સામાન વેરવિખેર પડયો હતો અને સિકયુરીટી એજન્સી ચલાવતા આફતાબ એમ.શેખના મકાનમાં ચોરી થઈ હતી. મકાનમાલિક સહિત પરિવારજનો મકાનમાં પ્રથમ માળે નિંદ્રાધિન હતાં ત્યારે આ ચોરીમાં તસ્કરો રાત્રિના સમયે ઘરમાં ત્રાટકયા હતાં અને નીચેના માળેથી સોનાના દાગીના ચોરી કરી લઇ ગયા હતાં. જો કે, હાલ કુલ કેટલી રકમના દાગીના અને રોકડની ચોરી થઈ તેનો આંકડો હજુ બહાર આવ્યો નથી. પરંતુ લાખોની કિંમતના સોનાના દાગીનાની ચોરી થઈ હોવાનું સૂત્રોમાંથી જાણવા મળે છે.
નવાગામ ઘેડમાં થયેલી ચોરીના બનાવમાં ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે ગુનાશોધક શ્ર્વાન અને એફએસએલની મદદ લીધી હતી અને આ ચોરીનો ભેદ ઉકેલવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો તેમજ પોલીસે આજુબાજુમાં રહેતાં લોકોને પણ તસ્કરો અંગે પૂછપરછ કરી હતી અને વિસ્તારમાં સીસીટીવી છે કે કેમ? તે અંગેની તપાસ આરંભી હતી. પોલીસે મકાનમાલિકના નિવેદનના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જામનગરના નવાગામ ઘેડમાં મકાનમાં લાખોના દાગીનાની ચોરી
આનંદ સોસાયટીમાં તસ્કરો ત્રાટકયા : ગુનાશોધક શ્વાન અને એફએસએલની મદદ વડે પોલીસ દ્વારા તપાસ : સોનાના દાગીના અને કેટલી રોકડની ચોરી થઈ તે વિગતો મેળવવા કાર્યવાહી