કલ્યાણપુર તાલુકાના રાવલ ગામે સોની કામની દુકાન ધરાવતા એક વેપારીની દુકાનમાં 15 વર્ષની પુત્રી સાથે આવેલી અજાણી મહિલાએ ગ્રાહકનો સ્વાંગ રચી, આશરે રૂપિયા બે લાખ જેટલી કિંમતના સોનાના દાગીનાની ચોરી થયાના આશરે દોઢેક માસ પૂર્વેના બનાવની ફરિયાદ ગઈકાલે બુધવારે કલ્યાણપુર પોલીસ મથકમાં નોંધાઈ છે.
આ સમગ્ર પ્રકરણ અંગે કલ્યાણપુર તાલુકાના રાવલ ગામે રહેતા અશ્ર્વિનભાઈ છોટાલાલ નાંઢા નામના 44 વર્ષના સોની વેપારી યુવાને કલ્યાણપુર પોલીસ મથકમાં જાહેર કરેલી વિગત મુજબ રાવલ ગામની મેઈન બજારમાં આવેલી તેમની શ્રીજી જ્વેલર્સ નામની સોની કામની દુકાનમાં ગત તારીખ 7 જૂનના રોજ સવારના સમયે આશરે 40 થી 45 વર્ષની ઉંમરની અજાણી મહિલા પ્રવેશી હતી અને તેમની સાથે આશરે પંદરેક વર્ષની એક તેમની દીકરી પણ હતી.
આ મહિલાએ વિવિધ દાગીના જોવા માટે લીધા બાદ વેપારીની નજર ચૂકવીને આ દુકાનમાં રહેલી સોનાની બુટીની 12 નંગ જોડીનું આખું સ્ટોક બોક્સ સેરવીને લઈ લીધું હતું. આમ રૂપિયા 1.95 લાખની કિંમતના સોનાના દાગીનાની ચોરી થવા સબબ કલ્યાણપુર પોલીસે ગઈકાલે બુધવારે ધોરણસર ગુનો નોંધ્યો હતો. આ પ્રકરણ અંગે પોલીસે આઈ.પી.સી. કલમ 380 તથા 114 મુજબ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. વી.આર. શુક્લ દ્વારા હાથ ધરવામાં આવી છે.