જામજોધપુર શહેરમાં સુભાષ રોડ પર આવેલી ભૂતમેળી શેરીમાં સોનાના ઘડામણનું કામ કરતા બંગાળી યુવાનની દુકાનમાં રાત્રિના સમયે તસ્કરો ત્રાટકયા હતાં અને દુકાનમાંથી રૂા.11.60 લાખની કિંમતના 29 તોલા સોનાના દાગીના અને સીસીટીવી કેમેરાનું ડીવીઆર ચોરી કરી ગયાની ઘટનામાં પોલીસે ગુનાશોધક શ્ર્વાન અને એફએસએલની મદદ વડે ભેદ ઉકેલવા તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, જામજોધપુરમાં સુભાષ રોડ પર આવેલ ભૂત મેળી શેરીમાં સોનાની ઘડામણની દુકાન ધરાવતા હનિફ કરીમભાઈ શેખ નામના ધંધાર્થીની દુકાનના દરવાજાનું તાળુ તોડી અંદર પ્રવેશેલ શખ્સોએ અંદર લાકડાની અલગ-અલગ પાડલીના ખાનામાં રાખેલ ઘડાઈ માટે આવેલ 29 તોલાનું સોનુ ચોરી કરી લઇ ગયા હતાં.
રૂા.11,60,000 ની કિંમતનું સોનુ ચોરી કરી તસ્કરો રૂમ અંદર રહેલા સીસીટીવીનું ડીવીઆર પણ સાથે લેતા ગયા હતાં. જેથી ચોરી પકડાઈ ન જાય, આ બનાવની જાણ થતા બંગાળી કારીગરે વેપારીઓને પ્રથમ જાણ કરી હતી. ત્યારબાદ પોલીસમાં જાણ કરતા પીઆઈ એમ.આર. સવસેટા તથા સ્ટાફ બનાવસ્થળે દોડી ગયો હતો અને ત્યારબાદ આ ઘટનાની જાણ જિલ્લા પોલીસવડા દિપન ભદ્રનને કરાતા એલસીબીની ટીમ જામજોધપુર પહોંચી ગઈ હતી અને આ ચોરીનો ભેદ ઉકેલવા તપાસના ચક્રો ગતિમાન કર્યા હતાં.
જામજોધપુરમાંથી બંગાળી કારીગરની દુકાનમાંથી 29 તોલા સોનાની ચોરી
ઘડામણનું કામ કરતા વેપારીની દુકાનના તાળા તૂટયા : 11.60 લાખના સોના અને બે હજારની કિંમતનું સીસીટીવી કેમેરાનું ડીવીઆર લઇ ગયા : સ્થાનિક પોલીસ અને એલસીબી દ્વારા તસ્કરોનું પગેરું મેળવવા તપાસ : ગુનાશોધક સ્વાન અને એફએસએલની મદદ