જામનગર શહેરના વાલ્કેશ્વરી નગરીમાં બિલ્ડિંગની સાઈટ પરથી અજાણ્યા તસ્કરોએ કેબલ વાયર અને અન્ય ઇલેકટ્રીકની ચીજવસ્તુઓ સહિત રૂા.98 હજારની કિંમતનો સામાન ચોરી કરી ગયાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
ચોરીના બનાવની વિગત મુજબ, જામનગર શહેરના વાલ્કેશ્વરી નગરીમાં આવેલી સીલ્વર-07 બિલ્ડિંગની ચાલુ સાઈટ પર ગત તા.13 ના રોજ રાત્રિના સમય દરમિયાન અજાણ્યા તસ્કરોએ પ્રથમ માળે આવેલા ફલેટના રૂમ તથા ઓફિસનું તાળુ તોડી પ્રવેશ કરી 19230 ની કિંમતનો કોપરનો વાયર તેમજ અન્ય રૂમમાંથી રૂા.8010 ની કિંમતના 180 મીટરના એક એવા ચાર કેબલ બંડલ તેમજ રૂા.3690 ની કિંમતના 2.50 એમ.એમ.નો 180 મીટર કેબલ વાયર, રૂા.2250 ની કિંમતના એક એવા 3 બંડલ 1.50 એમ.એમ.ના કેબલ વાયર તથા 11517 ની કિંમતની 30 અને 40 એમ્પીયરની 6 સ્વીચ તથા રૂા.14,156 ની એપાર્ટમેન્ટની મેઈન સ્વીચ સહિતનો જુદો જુદો ઈલેકટ્રીકનો સામાન કુલ કુલ રૂા.98,259 ની કિંમતના ઇલેકટ્રીક સામાનની ચોરી કરી ગયા હતાં. ચોરીના આ બનાવ અંગે બિલ્ડર વિવેકભાઈ મહેતા દ્વારા જાણ કરાતા પીએસઆઈ એસ.વી. સામાણી તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ ચોરીનો ગુનોનોંધી તસ્કરોનું પગેરૂ મેળવવા ચક્રો ગતિમાન કર્યા હતાં.