જામનગર શહેરના શંકરટેકરી ઉદ્યોગનગર વિસ્તારમાં આવેલા બ્રાસપાર્ટના કારખાનામાંથી અજાણ્યા તસ્કરોએ એેક દિવસ દરમિયાન પીતળનો છુટો છોલ અને તૈયાર માલના બાચકા સહિત કુલ રૂા.1,17,500 ની કિંમતનો બ્રાસપાર્ટનો સામાન સટ્ટર ઉંચુ કરી ચોરી કરી ગયાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
ચોરીના બનાવની વિગત મુજબ, જામનગર શહેરના શંકરટેકરી ઉદ્યોગનગર વિસ્તારમાં સી/2/67માં આવેલા શક્તિ બ્રાસ ઈન્ડસ્ટ્રીઝ નામના પ્રેમજીભાઈ કરમશીભાઈ માકાસણા નામના પ્રૌઢ કારખાનેદારના કારખાનામાંથી મંગળવારે સાંજના 7:30 વાગ્યાથી બુધવારે સવારના 7:30 સુધીના સમય દરમિયાન અજાણ્યા તસ્કરો કારખાનાનું સટ્ટર ઉંચુ કરી તોડીને અંદર પ્રવેશ કર્યો હતો. તસ્કરોએ કારખાનામાંથી રૂા.37,500 ની કિંમતના 125 કિલો પીતળનો છુટો છોલ અને રૂા.80 હજારની કિંમતના 200 કિલો પીતળનો તૈયાર માલ મળી કુલ રૂા.1,17,500 ની કિંમતના 325 કિલો પીતળનો સામાન ચોરી કરી નાશી ગયા હતાં. ચોરીની જાણ કરતા પીએસઆઇ એસ.એમ. સિસોદીયા તથા સ્ટાફે કારખાનેદારના નિવેદનના આધારે અજાણ્યા તસ્કરો વિરૂધ્ધ ગુનો નોંધી ચોરીનો ભેદ ઉકેલવા તપાસ આરંભી હતી.