ખંભાળિયાના ધમધમતા એવા ચાર રસ્તા વિસ્તારમાં આવેલી પોલીસ ચોકીથી થોડે દૂર બે દુકાનોમાં રાત્રિના સમયે તસ્કરોએ ખાતર પાડી, રોકડ રકમ સહિતનો મુદ્દામાલ ચોરી કરીને લઈ ગયા હોવાને ફરિયાદ નોંધાવવામાં આવી છે.
ખંભાળિયા તાલુકાના વિંજલપર ગામે રહેતા અને અત્રે મિલન ચાર રસ્તા વિસ્તારમાં પાન-ઠંડાની દુકાન ધરાવતા મશરીભાઈ જીણાભાઈ બોદર (ઉ.વ. 46) ની દુકાનમાં રવિવારે રાત્રિના સમયે તસ્કરોએ દુકાનનું તાળું તોડી, શટર ઉંચકાવી અને દુકાનમાં રહેલા ટેબલના ખાનામાં રાખવામાં આવેલા રૂપિયા 76,500 ની રોકડ રકમ ચોરી થયાની ફરિયાદ પોલીસમાં નોંધાવવામાં આવી છે.
અન્ય એક બનાવમાં આ દુકાન નજીક જ દુકાન ધરાવતા અશ્વિનભાઈ હરિલાલ જોશીની દુકાનના પણ શટર ઊંચકાવી, અહીં રાખવામાં આવેલી રૂપિયા 3,500 ની રકમ પણ તસ્કરો ચોરી કરીને લઈ ગયા હોવાનું અશ્વિનભાઈ જોશી દ્વારા પોલીસમાં જાહેર કરવામાં આવ્યું છે.
આ સમગ્ર બનાવવા અંગે ખંભાળિયા પોલીસે જુદી જુદી કલમ મુજબ ગુનો નોંધી, તપાસની એ.એસ.આઈ. જે.પી. જાડેજા દ્વારા સીસીટીવી કેમેરા ચેક કરી તસ્કરોને ઝડપી લેવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.


