દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તસ્કરોએ સામૂહિક આક્રમણ કરતાં ત્રણ સ્થળોએ ચોરીના બનાવ સામે આવ્યા છે. જેમાં ખંભાળિયાના માર્કેટીંગ યાર્ડમાંથી કોઇ તસ્કરો 1.04 લાખના જીરૂની ચોરી કરી ગયા અંગે પોલીસ ચોપડે ફરિયાદ નોંધાઇ છે. આરંભડા ગામની સીમમાં આવેલી એસ.પી. સીંગલા કંપનીની સાઈટ પરથી 1400 કિલો લોખંડના સ્ક્રુ જેટની ચોરી થઈ છે. જ્યારે ખંભાળિયાની વિશાલ ડેલીમાંથી રૂા.30 હજારની રોકડ રકમ ચોરી થયા અંગે પોલીસ ચોપડે ફરિયાદ નોંધાઈ છે.
ચોરીના બનાવની વિગત મુજબ, પ્રથમ બનાવ ખંભાળિયા તાલુકાના બજાણા ગામે રહેતા રમેશભાઈ જીવાભાઈ કનારા નામના 28 વર્ષના યુવાને ગત તારીખ 10 ના રોજ અહીંના માર્કેટિંગ યાર્ડમાં આવેલા શેડ નંબર 5 માં પોતાનું ખેત ઉપજનું જીરૂ રાખ્યું હતું. ત્યાર અહીં રાખવામાં આવેલા કુલ 290 કિલોગ્રામ વજનના છ બાચકા જીરૂ કોઈ તસ્કરો રાત્રિના સમયે ચોરી કરીને લઈ ગયા હોવાનું ખુલવા પામ્યું છે. આમ, કુલ રૂપિયા 1,04,500 ની કિંમત 290 કિલોગ્રામ જીરૂની ચોરી થવા સબબ બજાણા ગામના વેપારી રમેશભાઈ જીવાભાઈ કનારા (ઉ.વ. 28) દ્વારા અહીંના પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે. જે અંગે પોલીસે આઈ.પી.સી. કલમ 454, 457 તથા 380 મુજબ ગુનો નોંધી, તસ્કરોની શોધખોળ હાથ ધરી છે.
બીજો બનાવ, મીઠાપુરથી આશરે ત્રણ કિલોમીટર દૂર આરંભડા ગામની સીમમાં આવેલી એસ.પી. સિંગલા કંપનીની સાઈટ પર બિંબ ઉચકવા માટેના લોખંડના 77 નંગ સ્ક્રુજેક ગત તારીખ 11 મીના રોજ રાત્રિના સમયે કોઈ તસ્કરો ચોરી કરીને લઈ ગયા હોવાનું ખુલવા પામ્યું છે. રૂપિયા 75,000 જેટલી કિંમતના આશરે 1400 કિલો જેટલા વજનના ચોરી કરીને લઈ જવા સબબ કંપની કર્મચારી રજનીશકુમાર વિશ્વામિત્ર શર્માએ મીઠાપુર પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવી છે. જે અંગે પોલીસે આઈપીસી કલમ 380, 454 તથા 457 મુજબ ગુનો નોંધી, આગળની તપાસ ઈન્ચાર્જ પી.આઈ. આર.એચ. સુવા દ્વારા હાથ ધરવામાં આવી છે.
ત્રીજો બનાવ, ખંભાળિયામાં જૂની લોહાણા મહાજન વાડી પાસે રહેતા અને અત્રે ભગવતી કમ્પાઉન્ડ વિસ્તારમાં વિશાલ ડેરી પ્રોડક્ટ નામની ડેરી ધરાવતા વિશાલભાઈ વીરપારભાઈ કારીયા દ્વારા તેમની દુકાનના કાઉન્ટરમાં રાખવામાં આવેલા રૂપિયા 30,000 ની રોકડ રકમ થોડા દિવસ પૂર્વે કોઈ તસ્કરો ચોરી કરીને લઈ ગયા હોવાની ફરિયાદ અહીંના પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. આ અંગે અહીંના ઈન્ચાર્જ પી.આઈ. એન.એચ. જોશીના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ્ટેબલ ખીમભાઈ કરમુર દ્વારા તપાસ હાથ ધરવામાં આવતા ચોક્કસ બાતમીના આધારે અત્રે અજમેર પીરની ટેકરી પાસે રહેતા મુસ્તુફા નુર મામદ તાલબ સંઘાર (ઉ.વ. 21) અને જોહિલ ફિરોજ અબ્બાસ (ઉ.વ. 18) નામના બે શખ્સોને પોલીસે ઝડપી લઇ, આગળની કાર્યવાહી કરી હતી.