એક તરફ જામનગરના પંચ બી પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આવેલા કારખાનામાંથી ચોરીની ઘટના બની છે ત્યારે બીજી તરફ પંચ એ પોલસ સ્ટેશનના મોડા ગામના સીમ વિસ્તારમાં આવેલા મોડપીર ડાડાના મંદિરમાં રાખેલી લોખંડની દાનની પેટીનો તસ્કરોએ નકૂચો તોડી રોકડ રકમની ચોરી કરી ગયા હતા તેમજ સીસીટીવી કેમેરા અને રૂમમાં રાખેલ ડીવીઆરમાં તોડફોડ કરી નાખ્યાના બનાવમાં પોલીસે અજાણ્યા તસ્કરો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.
વધુ એક ચોરીના બનાવની વિગત મુજબ જામનગર તાલુકાના નેવી મોડા ગામની સીમમાં આવેલા મોડપીર ડાડાના મંદિરમાં તા.9 જાન્યુઆરીના સાંજના 7:30 વાગ્યાથી બીજે દિવસે સવારના 8 વાગ્યા સુધીના સાડા બાર કલાકના સમય દરમિયાન અજાણ્યા તસ્કરોએ મંદિરમાં પ્રવેશ કરી અંદર રહેલી લોખંડની દાન પેટીનો નકૂચો તોડી રૂા.8000 ની રોકડ રકમ ચોરી કરી ગયા હતાં તેમજ મકાન બહાર લગાડેલા સીસીટીવી કેમેરા પણ તોડી નાખ્યા હતાં. ઉપરાંત મકાનની લોખંડની ઝાળીનો નકૂચો હથિયાર વડે તોડીને અંદર પ્રવેશી રૂમમાં રાખેલું ડીવીઆરમાં તોડફોડ કરી અને રૂા.1500 ની કિંમતનું મોનિટર ચોરી કરી ગયા હતાં. તસ્કરોએ મંદિરમાં રૂા.8000 ની રોકડ રકમ અને મોનિટર મળી કુલ રૂા.9500 નો સામાન ચોરી કરી અને પૂરાવાનો નાશ કરવા સીસીટીવી અને ડીવીઆરમાં તોડફોડ કરી હતી.
નેવી મોડા ગામમાં આવેલા મોડપીર ડાડાના મંદિરમાં થયેલી ચોરીના બનાવથી ગ્રામજનોમાં રોષ ફેલાઈ ગયો હતો અને આ અંગેની ધર્મેન્દ્રસિંહ જાડેજા દ્વારા જાણ કરાતા પીએસઆઈ જે.પી. સોઢા તથા સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતાં. પોલીસે સ્થળ પર દોડી જઈ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અને ડીવીઆરમાંથી સીસીટીવી ફુટેજ મેળવવા કાર્યવાહી હાથ ધરી હતી.