લાલપુર તાલુકાના કાનાલુસ ગામની લેબર કોલોનીમાં રહેતાં પરપ્રાંતિય યુવાનનું નિંદ્રાધિન હાલતમાં જ બેશુદ્ધ થઈ જતાં મોત નિપજ્યું હતું. ધ્રોલ તાલુકાના નથુવડલા ગામમાં રહેતાં યુવાનને છાતીમાં દુ:ખાવો ઉપડતા સારવાર દરમિયાન મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું.
બનાવની વિગત મુજબ, પ્રથમ બનાવ, લાલપુર તાલુકાના કાનાલુસ ગામમાં આવેલા લેબર કોલોનીમાં રહેતાં અને બિહારના વતની સુરજ રામબ્રીજભુયા (ઉ.વ.26) નામનો યુવાન ગત તા.28 ના રાત્રિના સમયે નિંદ્રાધિન થયા બાદ બીજે દિવસે સવારના સમયે નિંદ્રામાંથી નહી ઉઠતા બેશુદ્ધ હાલતમાં જ યુવાનને નજીકની હોસ્પિટલે ખસેડવામાં આવતા જ્યાં તેનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. બનાવ અંગેની સુનિલભાઈ દ્વારા જાણ કરાતા હેકો વી.સી.જાડેજા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
બીજોબનાવ, ધ્રોલ તાલુકાના નથુવડલા ગામમાં રહેતાં છગનભાઈ નાનજીભાઈ ભાલોડિયા (ઉ.વ.45) નામના યુવાન સોમવારે સાંજના સમયે માર્કેટીંગ યાર્ડમાં ભાસ્કરભાઈની દુકાને હતાં તે દરમિયાન અચાનક છાતીમાં દુ:ખાવો થવાથી સારવાર માટે ધ્રોલની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં જ્યાં તેમનું મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની વિરજીભાઈ દ્વારા કરાયેલી જાણના આધારે એએસઆઇ એમ.પી. મોરી તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.