કલ્યાણપુર તાલુકાના રાવલ ગામે રહેતા વિશાલ મહેન્દ્રભાઈ બચુભાઈ મકવાણા નામના 23 વર્ષના વિદ્યાર્થી યુવાને શુક્રવારે મોડી રાત્રીના સમયે પોતાના રહેણાંક મકાનના રૂમમાં ગળાફાંસો ખાઈ લેતા તેમનો નિષ્પ્રાણ દેહ સાંપળ્યો હતો.
આ બનાવ અંગે મૃતકના મોટાભાઈ અક્ષય મહેન્દ્રભાઈ મકવાણા (ઉ.વ. 25)એ કલ્યાણપુર પોલીસ મથકમાં જાહેર કરેલી વિગત મુજબ તેમના પિતા મહેન્દ્રભાઈ છેલ્લા ઘણા સમયથી હિસ્ટિરિયાની બીમારીથી પીડાતા હોય અને પખવાડિયા પૂર્વે તેઓ ઘરેથી કોઈને કહ્યા વગર નીકળી ગયા બાદ ગુમ થઈ ગયા પછી તેમણે મીઠાપુરથી ફોન કરીને વિશાલભાઈને આ અંગે જાણ કરી હતી. જેથી તેમને પોતાના ઘરે પરત લઈ આવ્યા હતા. આ પરિસ્થિતિ વચ્ચે પિતાની હિસ્ટિરિયાની બીમારીથી કાયમી ચિંતાગ્રસ્ત રહેતા વિશાલે ગત તા. 13ના રોજ રાત્રિના સમયે પોતાના અલગ રૂમમાં છતમાં દોરી બાંધી અને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. આ બનાવ અંગે કલ્યાણપુર પોલીસે જરૂરી નોંધ કરી આગળની કાર્યવાહી કરી હતી.