જામનગર શહેરમાં નિલકંઠપાર્ક વિસ્તારમાં રહેતા મહિલાએ માનસિક બીમારીથી પીડાતા હોય એસિડ પી લેતા સારવાર દરમિયાન તેનું મૃત્યુ નિપજ્યું હતું. કાલાવડ તાલુકાના સરવાણીયા ગામમાં રહેતાં યુવાનને હૃદયરોગનો હુમલો આવતા સારવાર દરમિયાન તેનું મૃત્યુ નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં નિલકંઠપાર્કમાં મહાદેવના મંદિર પાસે રહેતા મીનાબેન કાંતિભાઇ (ઉ.વ.45) નામના મહિલા છેલ્લાં 12 વર્ષથી માનસિક બીમારીથી પીડાતા હોય જેથી કંટાળી તા.6 ના રોજ પોતાના ઘરે એસિડ પી લેતા સારવાર માટે જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં સારવાર દરમિયાન તા.10 ના રોજ તેમનું મૃત્યુ નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે સાગર કાંતિભાઇ પાણખાણીયા દ્વારા જાણ કરાતા હેકો એમ.આર. ડાંગર સહિતના સ્ટાફ દ્વારા મૃતદેહને પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો બનાવ, કાલાવડ તાલુકાના સરવાણિયા ગામે રહેતા દિલીપભાઈ ભાણાભાઈ ચૌહાણ (ઉ.વ.30) નામના યુવાનને તા.10 ના રોજ સવારના સમયે હૃદયરોગનો હુમલો આવતા કાલાવડની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર કારગત નિવડે તે પૂર્વે તેનું મૃત્યુ નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે હરેશભાઈ ભાણાભાઈ ચૌહાણ દ્વારા જાણ કરાતા હેકો જે.એચ.પાગડાર દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરી હતી.