જામનગર તાલુકાના વિભાપર ગામમાં રહેતી યુવતીના પતિનું બે માસ પહેલા વાહન અકસ્માતમાં મોત થયા બાદ પતિના વિયોગમાં યુવતીએ તેના ઘરે સાડી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી.
બનાવની વિગત મુજબ, જામનગર તાલુકાના વિભાપર ગામમાં સરસ્વતિ સ્કૂલ પાસે આવેલા પી.બી. પ્લોટ વિસ્તારમાં રહેતાં ક્રિષ્નાબેન જતીનભાઈ છત્રોલા (ઉ.વ.24) નામની યુવતીએ રવિવારે સવારના સમયે તેના ઘરે રૂમમાં છતની આડીમાં સાડી વડે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કર્યાના બનાવની ઈલાબેન દ્વારા જાણ કરવામાં આવતા પીએસઆઈ એમ.એલ. ઓડેદરા તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી તપાસ હાથ ધરતા મૃતકના પતિ જતિનભાઈ છત્રોલાનું ગત તા.5 ફેબ્રુઆરીના રોજ વાહન અકસ્માતમાં મૃત્યુ થયું હતું. પતિના મોત બાદ વિયોગમાં ગુમસુમ રહેતી યુવાન પત્નીએ તેના ઘરે ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવ્યાનું ખુલતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.