જામનગર શહેરમાં ગોલ્ડન સિટી પાસે આવેલા માધવ પ્લાઝા એપાર્ટમેન્ટમાં રહેતાં મહિલાના ઘરની આર્થિક સ્થિતિ નબળી હોવાથી સોમવારે બપોરના સમયે તેના ઘરે રૂમના પંખામાં સાડી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગરના રણજીતસાગર રોડ પર આવેલ ગોલ્ડન સિટી વિસ્તારમાં માધવ પ્લાઝા એપાર્ટમેન્ટમાં ફલેટ નં.504 માં રહેતાં દિપકભાઇ રણછોડભાઈ દુધૈયા નામના નોકરી કરતા સુથાર યુવાનની આર્થિક સ્થિતિ બરાબર ન હોવાથી સોમવારે બપોરના સમયે યુવાનની પત્ની પારુલબેન દિપકભાઈ દુધૈયા (ઉ.વ.36) નામની મહિલાએ તેના ઘરે રૂમના પંખામાં સાડી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ બનાવ અંગે મૃતકના પતિ દિપકભાઈ દ્વારા જાણ કરાતા પીએસઆઈ એસ.એમ. સિસોદીયા તથા સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.